- હવે IAS-IPSએ શેરમાં કરેલા રોકાણની જાણકારી આપવી પડશે : કેન્દ્ર
કેન્દ્ર સરકારે તાજેતરમાં જ એક આદેશ રજૂ કર્યો છે કે હવે આઇએએસ, આઇપીએસ અને અન્ય સનદી અધિકારીઓ શેરબજારમાં રોકાણ કરે છે તો તેમની જાણકારી આપવી પડશે. અત્યારસુધી સરકારી અધિકારીઓ તેમની સંપત્તિ અને કમાણીની જ વિગતો આપતા હતા. આ દરમિયાન દિવ્ય ભાસ્કરે ગુજરાતના વિવિધ શેરબજારના બ્રોકરો પાસેથી ડેટા મેળવ્યો હતો, જે દર્શાવે છે કે ગુજરાતના લગભગ 90% IAS, IPS અધિકારીઓ, ધારાસભ્યો, મંત્રીઓ તેમના સંબંધીઓ અને મિત્રોનાં નામે બનાવેલાં ડિમેટ એકાઉન્ટ દ્વારા શેર્સમાં મોટેપાયે રોકાણ કરી ચૂક્યા છે.
ભાસ્કર પાસે ઉપલબ્ધ માહિતી અનુસાર, આ લોકોનું શેરબજારમાં 7500 કરોડ અને રિયલ એસ્ટેટમાં 15000 કરોડનું રોકાણ છે. ધારાસભ્યો અને કમિશનરોનો સરેરાશ 2થી 3 કરોડનો સક્રિય પોર્ટફોલિયો છે. નોકરિયાતો અને રાજકીય પક્ષોના નેતાઓના રોકાણની બાબતમાં મહારાષ્ટ્ર ટોચ પર છે, જ્યારે ગુજરાત ચોથા નંબરે છે. આ દરમિયાન ભાસ્કરે અધિકારીઓની એફિડેવિટનું પણ વિશ્લેષણ કર્યું હતું. આ મુજબ રાજ્યના 87 IAS અધિકારી કરોડપતિ છે. જેમણે મકાનો અને જમીનોમાં મોટે પાયે રોકાણ કર્યું છે. જોકે 65 અધિકારી એવા છે, જેમની પાસે કોઈ સંપત્તિ નથી.
હોદ્દો | સંખ્યા | વ્યક્તિદીઠ રોકાણ | કુલ રોકાણ |
IAS | 260 | 2.50-3.50 | 910 |
IPS | 37 | 1.75-2.25 | 83.25 |
MLA | 182 | 1.50-2.00 | 364 |
મંત્રી મંડળ | 17 | 2.00-4.50 | 76.5 |
અન્ય અધિકારીઓ | 3500 | 0.50-1.00 | 3500 |
ઇન્કમટેક્સ ઓફિસર | 1000 | 1.00-1.50 | 1500 |
આરબીઆઈના અહેવાલ પર એક નજર કરીએ તો નાણાકીય વર્ષ 2022-23માં સમૃદ્ધ ભારતીયોએ વિદેશમાં 1.69 અબજ ડોલર (રૂ.13500 કરોડ)નું રોકાણ કર્યું હતું. આ નાણાંનું રોકાણ વિદેશમાં બેંકો, શેર અને બોન્ડ ઉપરાંત પ્રોપર્ટીમાં કરવામાં આવ્યું હતું. દેશભરમાંથી થયેલા કુલ રોકાણમાં ગુજરાતીઓનો હિસ્સો 20 ટકાથી વધુ, એટલે કે સરેરાશ 2700 કરોડથી વધુનું રોકાણ થયું છે, જેમાં સરકારી અધિકારીઓનો હિસ્સો જોઇએ તો 270-300 કરોડનો હોવાનો અંદાજ છે.
મહારાષ્ટ્રના ઉચ્ચ સરકારી અધિકારીઓનો ઇક્વિટીમાં રોકાણ પોર્ટફોલિયો સૌથી વધુ અંદાજે 50000 કરોડ આસપાસ છે, જે દેશમાં મોખરે છે. બીજા ક્રમે દિલ્હી 35000 કરોડ, કર્ણાટકના અધિકારીઓનો 20000 કરોડ પછી ગુજરાતના અધિકારીઓનો અંદાજે 7500-8000 કરોડનો પોર્ટફોલિયો ઇક્વિટી-આઇપીઓ તથા મ્યુચ્યુઅલ ફંડ્સમાં છે. વિદેશોમાં ભારતીયોનું 13500 કરોડનું રોકાણ, જેમાં ગુજરાતનો હિસ્સો 20% સુધી
નામ | હોદ્દો | મિલકત મૂલ્ય | ભાડાની આવક |
વિપુલ મિત્રા, 1986 | ચેરમેન, જીએનએફસી | રૂ.20.72 કરોડ | રૂ.55 લાખ |
રાજકુમાર, 1987 | મુખ્ય સચિવ, ગુજરાત | રૂ.2.50 કરોડ | રૂ.7 લાખ |
અંજુ શર્મા, 1991 | અધિક મુખ્ય સચિવ,શ્રમ અને રોજગાર | રૂ.2.99 કરોડ | રૂ.1 લાખ |
એસ.જે. હૈદર, 1991 | અધિક મુખ્ય સચિવ, ઉદ્યોગ અને ખાણ | રૂ.1.40 કરોડ | રૂ.10 લાખ |
અશ્વિની કુમાર, 1997 | અગ્ર સચિવ, | રૂ. 2.35 કરોડ | – |
ટી. નટરાજન, 1996 | અગ્ર સચિવ,રક્ષા મંત્રાલય, દિલ્હી | રૂ. 1.99 કરોડ | – |
હારિત શુક્લા, 1999 | સચિવ, પ્રવાસન | રૂ. 1.70 કરોડ | રૂ. 4 લાખ |
રાજકુમાર બેનીવાલ, 2004 | કમિશનર, મ્યુનિસિપાલિટીઝ | રૂ. 4.25 કરોડ | રૂ. 9 લાખ |
રાકેશ શંકર, 2004 | સચિવ, સામાન્ય વહીવટ | રૂ. 3.81 કરોડ | રૂ. 1.50 લાખ |
આલોક પાંડે, 2006 | રાહત કમિશનર | રૂ. 2.06 કરોડ | – |
રાજેન્દર કુમાર, 2004 | વર્લ્ડ બેંક | રૂ. 6.21 કરોડ | રૂ. 8 લાખ |
હર્ષદ પટેલ, 2005 | કમિશનર, યુવા, સાંસ્કૃતિક | રૂ. 8.05 કરોડ | રૂ. 7.50 લાખ |
એમ.આઇ.પટેલ, 2009 | અધિક સચિવ | રૂ. 3.35 કરોડ | રૂ. 2.50 લાખ |
મિહિર પટેલ, 2015 | શહેરી વિકાસ | રૂ. 8.50 કરોડ | રૂ. 96 હજાર |
(સંદર્ભઃ 1-1-2023ના રોજ જાહેર કર્યા પ્રમાણે વિગતો. દર વર્ષે અધિકારીઓ દ્વારા સ્થાવર મિલકતો અને આવક અંગે એફિડેવિટ કરવામાં આવે છે અને કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ અને ટ્રેનિંગ દ્વારા ઓનલાઇન પણ મૂકવામાં આવે છે. આ વિગતો ઓનલાઇન માહિતીને આધારે છે.)