ગુજરાત ગૌરવ દિનની રાજ્ય કક્ષાની ઉજવણી નિમિતે જામનગરમાં તેયારી દરમિયાન એકાએક માચડો જમીનદોસ્ત થતા ઉહાપોહ મચી ગયો હતો. આ દુર્ઘટનામાં ત્રણ મજૂરી ઘાયલ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
- જામનગર પ્રદર્શન ગ્રાઉન્ડમાં મોટી દુર્ઘટના
- સ્ટેજ ધરાસાઈ થતા 3 ને ઇજા
- ગુજરાત ગૌરવ દિનની રાજ્ય કક્ષાની ઉજવણી નિમિતે બનતું હતું સ્ટેજ
ગુજરાત ગૌરવ દિનની રાજ્ય કક્ષાની ઉજવણી જામનગર ખાતે કરવામા આવશે. જેને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે. આવી સ્થિતી વચ્ચે આજે (તા. 27) ના રોજ મોડી રાત્રે તૈયારી વેળાએ મોટો દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ઉજવણીના ભાગરૂપે શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં સ્ટેજનું નિર્માણ થઇ રહ્યું હતું. આ દરમિયાન એકાએક માચડો જમીનદોસ્ત થતા ઉહાપોહ મચી ગયો હતો. આ દુર્ઘટનામાં ત્રણ મજૂરી ઘાયલ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
જે અંગે જાણ થતા સ્થાનિક પોલીસ કાફલો તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ મોટી દુર્ઘટના ટળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ તંત્રની બેદરકારી કહી શકાય તેમ કામગીરીમાં ચૂક રહી જતા દુર્ઘટથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જોકે કાર્યક્રમ વેળાએ આ દુર્ઘટના સર્જાઈ હોય તો ? આ વિચાર માત્રથી ડરામણું દ્રશ્ય સામે આવે છે.
૧ લી મે ૬૩ મા ગુજરાત સ્થાપના દિવસની જામનગર ખાતે રંગારંગ ઉજવણી કરવામાં આવનાર છે. આ ઉજવણીમાં રાજ્યપાલ આચાર્ચ દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજય મંત્રીમંડળના વિવિધ મંત્રીઓ, પદાધિકારીઓ, અધિકારીઓની ઉપસ્થિતિમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિકાસ કાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરવામાં આવશે. મુખ્યમંત્રીના વરદ હસ્તે કુલ રૂ. ૩૦૩.૪૯ કરોડની રકમના કુલ ૫૫૧ વિકાસ કામો નું ઈ-લોકાર્પણ / ઈ- ખાતમુહુર્ત / ઈ-ભૂમિપુજન કરવામાં આવશે. વધુમાં ગુજરાત સ્થાપના દિવસ એટલે કે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે તારીખ 29 મી એપ્રિલ થી સરકાર દ્વારા વસાવવામાં આવેલ અદ્યતન તેમજ પુરાતન શસ્ત્રોનું નિદર્શન જાહેર જનતા માટે શસ્ત્ર પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવનાર છે.
આ ઉજવણીમાં શ્રી મહારાણા પ્રતાપની ૧૨ ફૂટ ઉંચી કાસ્ય પ્રતિમાંનું પણ અનાવરણ કરવામાં આવશે. વધુમાં પોલીસ પરેડ કાર્યક્રમમાં પોલીસ જવાનોની ૨૧ જેટલી પ્લાટુનો દ્વારા માર્ચ પાસ્ટ કરવામાં આવશે.વધુમાં આ કાર્યક્રમમાં અશ્વ શો, મોટર સાયકલ સ્ટંટ શો, જેવા અવનવા શો નું આયોજન કરવામાં આવ્યું છે.