રાજકોટમાં બાલાજી મંદિરના બાંધકામના વિવાદ મામલે તપાસ શરૂ કરાઈ છે. આ વચ્ચે હવે કોઠારી સ્વામી વિવેક સાગરે જણાવ્યું કે, અમુક લોકોએ મંદિરને બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું છે, અમે સરકારમાં તમામ જવાબો લેખિતમાં રજૂ કર્યા છે-
- બાંધકામ વિવાદ મામલે કોઠારી સ્વામીનું નિવેદન
- બાંધકામ મામલે કોઈ વિવાદ નથીઃ કોઠારી સ્વામી
- જો ગેરકાયદેસર બાંધકામ હશે તો અમે દૂર કરશુંઃ કોઠારી સ્વામી
રાજકોટના બાલાજી મંદિરના ગેરકાયદેસર બાંધકામ મુદ્દે સ્થાનિકોના હોબાળા બાદ હવે તંત્ર હરકતમાં આવ્યું છે. તંત્ર દ્વારા બાલાજી મંદિર ટ્રસ્ટના કોઠારીને ગેરકાયદેસર બાંધકામને રોકવાનો આદેશ આપવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ બાંધકામને રોકવાનો આદેશ અપાયો છે. સરકારી જમીન હોવાથી રાજકોટ મહાનગર પાલિકા દ્વારા જિલ્લા કલેક્ટરને જાણ કરવામાં આવતા કલેક્ટર પ્રભવ જોષીએ ગેરકાયદે બાંધકામ મુદ્દે કાર્યવાહી તેજ કરી છે. જિલ્લા કલેક્ટરને 4 અઠવાડિયામાં રિપોર્ટ રજૂ કરવાનો હાઇકોર્ટે આદેશ આપ્યો છે. આ વચ્ચે હવે કોઠારી સ્વામી વિવેક સાગરનું નિવેદન સામે આવ્યું છે.
રાજકોટના બાલાજી મંદિર ટ્રસ્ટના બાંધકામ વિવાદ મામલે કોઠારી સ્વામી વિવેક સાગરે જણાવ્યું કે, બાંધકામ મામલે કોઈ વિવાદ નથી. અમુક લોકોએ મંદિરને બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું છે. સરકારે અમને મંદિરનું બાંધકામ કરવા માટે મૌખિક મંજૂરી આપી હતી. અમે સરકારમાં તમામ જવાબો લેખિતમાં રજૂ કર્યા છે. જ્યાં સુધી લેખિત મંજૂરી ન મળે ત્યાં સુધી બાંધકામ બંધ રાખશું. જો ગેરકાયદેસર બાંધકામ હશે તો અમે દૂર કરશું. અમે ૩ કરોડના ખર્ચે કરણસિંહજી હાઇસ્કૂલનું સમારકામ કર્યું છે. અમને જગ્યાની ફાળવણી કરાઇ તે નિયમોનું પાલન કર્યું છે. અહીં ગરીબ વિદ્યાર્થીઓને સંસ્કૃતનું શિક્ષણ આપવામાં આવશે.
રાજકોટ શહેરના કરણસિંહજી રોડ ખાતે આવેલી કરણસિંહજી શાળાનું પટાંગણ સ્વામિનારાયણ સંપ્રદાયને સોંપાયું છે. કરણસિંહજી સ્કૂલ ટ્રસ્ટ દ્વારા પટાંગણમાં નાનુ મંદિર બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અહીં મંદિર બનાવવામાં આવી રહ્યું છે. જોકે, મોટું મંદિર બનાવવાનું શરૂ કરતા વિવાદ સર્જાયો છે.
શાળાના ગ્રાઉન્ડમાં મંદિર પરિસરનું બાંધકામ શરૂ કરાતા વિવાદ સર્જાયો હતો. બાલાજી મંદિરની પહેલા જગ્યા 20 ચોરસ મીટરની હતી. પરંતુ સ્કૂલની જગ્યામાં 13 હજાર ચોરસ મીટરનું બાંધકામ કરાતા વિવાદ થયો હતો. નાનું મંદિર બનાવવાની મંજૂરી આપ્યા બાદ મોટું મંદિર બનાવવાનું શરૂ કરતા વિવાદ વધ્યો હતો. આસપાસના સ્થાનિકોએ મંદિરના નિર્માણકાર્યનો વિરોધ કર્યો હતો. વકીલે પણ બાંધકામ પર સ્ટે મેળવ્યો હતો
ગત 24 એપ્રિલે કરણસિંહજી શાળાના પટાંગણમાં મંદિર પરિસરનું બાંધકામ શરૂ કરાતા સ્થાનિકોના ટોળે ટોળા દોડી આવ્યા હતા અને ઉગ્ર વિરોધ કર્યો હતો. આ દરમિયાન રાજકોટના બાલાજી મંદિરનું નિર્માણ કરનારા કોન્ટ્રાક્ટર અને વિરોધ કરનારા વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. જેની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક કરણસિંહજી હાઈસ્કૂલ ખાતે દોડી આવી હતી અને પોલીસે કોન્ટ્રાક્ટરને રિક્ષામાં મોકલ્યા હતા.
આ મામલે વકીલે જણાવ્યું હતું કે, કરણસિંહજી સ્કૂલના ગ્રાઉન્ડમાં ગેરકાયદેસર રીતે મંદિર બનાવવામાં આવી રહ્યું છે. તો મંદિર બનાવવા માટે ગ્રાઉન્ડમાં આવેલો ચબૂતરો પણ તોડી નાખવામાં આવ્યો છે. સાથે જ અન્નક્ષેત્ર પણ બંધ કરાવી દેવામાં આવ્યું છે. તેનો સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે.
આ મામલે રાધારમણ સ્વામીએ જણાવ્યું હતું કે, ‘બાલાજી મંદિર કોઈ એક વ્યક્તિનું નથી. બાલાજી મંદિર લક્ષ્મીનારાયણ દેવ ટેમ્પલ બોર્ડ વડતાલ નીચેની સંસ્થા છે. તેમના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી છે. તમે તેમને મળો તો જ સમગ્ર વિવાદ શું છે તે સામે આવશે. મેં એમનો કોન્ટેક્ટ કર્યો પરંતુ તેમનો કોન્ટેક્ટ થઈ શક્યો નથી. ભૂપેન્દ્ર મંદિર અને તે મંદિરનો વહિવટ અલગ છે.’
રાજકોટ બાલાજી મંદિર ટ્રસ્ટના ગેરકાયદેબાંધકામ મુદ્દે વિવાદ વકરતા સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ રોકવા મનપાએ આદેશ આપ્યો હતો. મંદિર ટ્રસ્ટના વડા કોઠારી વિવેકસાગરજી સ્વામીને ગેરકાયદે બાંધકામ રોકવાના આદેશ અપાયા હતા. સરકારી જમીન હોવાથી મનપાએ જિલ્લા કલેકટરને પણ જાણ કરી હતી. જે બાદ જિલ્લા કલેક્ટરને 4 અઠવાડિયામાં રિપોર્ટ રજૂ કરવાનો હાઇકોર્ટે આદેશ આપ્યો હતો. જે બાદ ડેપ્યુટી ક્લેક્ટરે બન્ને પક્ષકારના નિવેદનો નોંધ્યા હતા. બન્ને પક્ષકારને પોતાનો જવાબ લેખિતમાં રજૂ કરવાનો આદેશ કરાયો હતો. ડેપ્યુટી કલેક્ટરની એક ટીમે સ્થળ પંચનામું કર્યું હતું.