Satya Tv News

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં અનિલ સ્ટાર્ચ મિલ રોડ ઉપર આવેલા વિકાસ એસ્ટેટમાં બુધવારે સાંજના સમયે ભીષણ આગ લાગી હતી. વિકાસ એસ્ટેટની પાછળના ભાગે આવેલી ભૂમિ પાર્ક સોસાયટી સુધી આગ પહોંચી હતી. ત્યારે દિવ્ય ભાસ્કરે ઘટનાસ્થળનો ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. આગની ઘટના બાદ મોડી રાત્રે એસ્ટેટની અને સોસાયટીને અડીને આવેલી દિવાલ પડી હતી. ભૂમિ પાર્ક સોસાયટીના રહીશોમાં ભય ફેલાયો હતો. ભયમાં જીવતા હોય તેવી રીતે આખી રાત જાગ્યા હતા. 24 કલાક તેઓએ પાણી અને લાઈટ વિના રહેવું પડ્યું હતું. વિકાસ એસ્ટેટમાં લાગેલી આગના કારણે એસ્ટેટને અડીને આવેલા ત્રણ જેટલા મકાનોને નુકસાન થયું છે. જેના કારણે આ ત્રણેય મકાનના રહીશોને આજે સગા અથવા પાડોશીના ઘરે રહેવાની ફરજ પડી છે.

બુધવારે સાંજે વિકાસ એસ્ટેટમાં લાગેલી આગની ઘટના બાદ દિવ્ય ભાસ્કરે જ્યારે ભૂમિ પાર્ક સોસાયટીનો અને ઘટના સ્થળનો ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો જેમાં જાણવા મળ્યું હતું કે, વિકાસ એસ્ટેટની પાછળ ભૂમિપાર્ક સોસાયટીમાં 40, 45 અને 46 નંબરના મકાનની દિવાલ અને વિકાસ એસ્ટેલની દીવાલ એક જ છે. 46 નંબરના મકાનમાં તિરાડો પડી ગઈ છે. મકાનના પહેલા માળે બારીના કાચ તૂટી ગયા છે. બાજુમાં આવેલી દિવાલ અને બાથરૂમની દિવાલમાં તિરાડ પડી ગઈ છે. જ્યારે 40 નંબરના મકાનમાં આગ પહોંચી ગઈ હતી જેથી આગના કારણે લાગેલો દરવાજો બળેલો છે. જ્યારે 45 નંબરના મકાનની પાસે દિવાલ ધરાશાયી થઈ હતી. ત્રણેય મકાનોના રહીશોને હાલ ઘરમાં ન રહી શકાય તેવી પરિસ્થિતિ ઉભી થતાં પોલીસ અને ફાયર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

46 નંબરના મકાનમાં રહેતા રોનકભાઈ પરમાર એ જણાવ્યું હતું કે, બુધવારે સાંજે જ્યારે આગ લાગી ત્યારે ખૂબ જ ભયાનક દ્રશ્ય હતું અને અમારા ઘરની અને વિકાસ એસ્ટેટની દીવાલ એક જ છે. આગ લાગ્યા બાદ અમે ઘરની બહાર નીકળી ગયા હતા. આજે અમારા ઘરની દિવાલોમાં તિરાડો પડી ગઈ છે. મકાનની ઉપરના ભાગે જે દિવાલ આવેલી છે તે પણ પડી ગઈ છે. ઘરમાં તિરાડો અને રહેવા લાયક પરિસ્થિતિ ન હોવાથી પોલીસ અને ફાયર વિભાગ દ્વારા અમને ઘરમાં ન રહેવાની સૂચના આપી છે. જેથી અમે અમારા કપડાં અને અન્ય વસ્તુઓ લઈ અને સગા સંબંધીના ઘરે રહેવા ગયા છીએ.

45 નંબરના મકાનમાં રહેતા રેખાબેન પરમારે જણાવ્યું હતું કે આજે પણ પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે. આગ કારણે કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ અમારા મકાનને ઘણું બધું નુકસાન થયું છે. અમારે આખી રાત ઘરની બહાર જ કાઢવી પડી હતી. મારા મકાનને અડીને આવેલી દિવાલ મોડી રાત્રે પડી ગઈ હતી. અમે હાલ બીજાના ઘરે રહીએ છીએ અમને પોલીસ અને ફાયર વિભાગ દ્વારા ઘરમાં જવાની ના પાડવામાં આવી છે. અમે ક્યારે ઘરમાં રહેવા જઈશું તે જ ખબર નથી. મારા પતિને કિડનીની બીમારી છે જેના કારણે તેઓને ડાયાલિસિસ કરવા લઈ જવા પડે છે. ત્યારે આજે અમે બહાર રહીએ છીએ.

ભૂમિપાર્ક સોસાયટીના રહીશોના જણાવ્યા મુજબ પરિસ્થિતિ બુધવારે મોડી રાત્રે ખૂબ જ વિકટ બની હતી. એસ્ટેટની અને સોસાયટીને અડીને આવેલી એક જ દિવાલ ધરાશાયી થઈ હતી. રાતના સમયે પાણી અને લાઈટ ન હતી. આખી રાત અમારે બહાર વિતાવવાની ફરજ પડી હતી. 20 કલાક બાદ લાઈટ આવી હતી. હજી પણ આગના કારણે બળી ગયેલા સામાનને કુલિંગ કરવાની કામગીરી ચાલી રહી છે. વર્ષો જૂની આ સોસાયટી આવેલી છે. થોડા સમય અગાઉ જ્યારે એક સામાન્ય આગની ઘટના બની હતી. ત્યારે ભવિષ્યમાં કોઈ મોટી ઘટના ન બને તેના માટે અમે રજૂઆત કરી હતી છતાં પણ ત્યારે કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. આખી રાત સોસાયટીની બહાર જ વિતાવવાની ફરજ પડી હતી. લોકોને સાંજે જમવાનું મળ્યું હતું પરંતુ બપોરે પાડોશીઓના ઘરે અથવા બહારથી મંગાવી અને ખાવાની ફરજ પડી હતી.

error: