વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એક બાજુ એવું કહે છે કે શહેરીજનોને પીવાનું ચોખ્ખું પાણી પુરતું આપવામાં આવી રહ્યું છે, બીજી બાજુ ટેન્કરોથી પાણી વિતરણ કરવા 50 લાખના ખર્ચની મર્યાદામાં ભાડેથી ટેન્કરો મેળવવા વાર્ષિક કોન્ટ્રાક્ટ કરવાની મંજૂરી માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત પણ રજૂ કરી છે. વિરોધ પક્ષ કોંગ્રેસ પણ કહે છે કોર્પોરેશનનું તંત્ર નાગરિકોને ઘરે ઘરે પાણી પહોંચાડવામાં ઉણું ઉતરેલું છે. સ્થાયી સમિતિમાં જે દરખાસ્ત રજૂ થઈ છે, તેમાં 4000 લીટરની ટેન્કર માટે એક ફેરા દીઠ રૂપિયા 413 અને 5,000 લીટરની ટેન્કર માટે ફેરા દીઠ રૂપિયા 505 ના ખર્ચ સાથેનું ટેન્ડર રજૂ કરવામાં આવ્યું છે. જે ખાતાના અંદાજ કરતા વધુ ભાવ સાથેનું છે. કોર્પોરેશન દ્વારા નાગરિકોને આજવા સરોવરમાંથી 31450 લાખ લીટર, સિંધરોટથી 750 લાખ લીટર, ખાનપુરથી 750 લાખ લીટર અને મહીસાગર થી 3000 લાખ લીટર પાણી પહોંચતું કરે છે. તો પછી દર વર્ષે લાખો રૂપીયાના પાણીની ટેન્કરનો ઇજારો શા માટે કરવામાં આવે છે ? એનો અર્થ સ્પષ્ટ છે, કોર્પોરેશન પાસે પીવાનું પાણી આપવાની અછત છે. ફાયર વિભાગ પાસે 4 ટેન્કરો છે એટલે કે, એક ટેન્કર રોજના 6 ફેરા ફરે તો પણ દિવસના 24 થી વધારે ફેરા થાય તે પરથી એ સાબીત થાય છે કે, નાગરિકોને દુષિત તથા ઓછા પ્રેશરથી મળે છે. બીજી બાજુ દરખાસ્તમાં એવું જણાવાયું છે કે પાણી પુરવઠા વિત૨ણ શાખા દ્વારા પાણીની લાઇનમાં કોન્ટામિનેશન, પાણીની લાઇનના બ્રેક-ડાઉન, લાઈન પરના વાલ્વ બગડવા, લો પ્રેશર, જેવા સ્થળોએ કામગીરી વખતે જે તે વિસ્તારમાં પાણી બંધ રહે અથવા પાણી ઓછુ મળે છે ત્યારે આવા સ્થળોએ ટેન્કર મારફત પાણીનું વિત૨ણ ક૨વામાં આવતું હોય છે. ઉપરાંત વિવિધ આવાસ યોજનાઓ, વસાહતો, જેવા સ્થળોએ ટેન્કરથી પાણી પહોંચાડવા માટેની જરૂરીયાત ઉભી થાય છે. આવા સ્થળોએ પાણીની ટેન્કર મોકલવા માટે સતત માગણીઓ થતી રહે છે. શહે૨ની હદમાં પણ વધારો થયેલ છે. જેથી દૂ૨નાં વિસ્તારોમાં જ્યાં પાણી નેટવર્ક નથી ત્યાં પણ ટેન્કરો મોકલવામાં આવે છે. તથા દૂર નવીન સમાવિષ્ટ વસાહતોમાં પણ ટેન્કરો દ્વારા પાણી વિત૨ણ ક૨વામાં આવે છે. પાણી માટે ચારે ઝોનમાં ફાયરબ્રીગેડ દ્વારા લો-પ્રેશર તથા ગંદા પાણીની કામગીરી માટે પાણીની ટેન્કરો પૂરી પાડવામાં આવે છે. જે પૂરતા નથી. તેથી વધારાની જરૂરીયાત પૂરી કરવા બહારથી પ્રાઇવેટ વાહનો ભાડેથી લેવાની જરૂરીયાત રહે છે. આ ઘટનાને પહોંચી વળવા પાલિકાની પાણી પુરવઠા શાખા દ્વારા વાર્ષિક ઈજારો કરવામાં આવે છે.