દક્ષિણ મુંબઈના ભૂલાભાઈ દેસાઈ રોડ પર બ્રીચ-કેન્ડી હોસ્પિટલ પાસેની એક હાઈરાઈઝ બિલ્ડિંગમાં શનિવારે મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. બારમે માળે બે ગેસ સિલિન્ડર ફાટતા લાગેલી આગ ફાયર બ્રિગેડે કલાકોની જહેમત બાદ આજે મળસ્કે બુઝાવી હતી. આગમાંથી એક પુરૂષ અને એક મહિલાને હેમખેમ ઉગારી લેવામાં આવ્યા હતા. સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી.
ફાયર બ્રિગેડ કન્ટ્રોલે જણાવ્યું હતું કે ૧૫ માળના બ્રીચ-કેન્ડી એપાર્ટમેન્ટના ૧૨મા માળના બે ફલેટમાં શનિવારે સાડા દસ વાગ્યે આગ ફાટી નીકળી હતી. બે સિલિન્ડર ફાટવાથી લાગેલી આગે જોતજોતામાં વિકરાળ રૂપ ધારણ ક્રયું હતું. ફલેટની બારીઓમાંતી લપકારા લેતી આગની જ્વાળા નીકળવા માંડી હતી.
હાઈ-રાઈઝમાં આગ લાગી હોવાથી સ્નોરકેલ લેડર સહિત ૮ બંબા અને ૭ વોટર ટેન્કર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આગ બુઝાવવા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને ૧૨મા માળેથી બે રહેવાસીને ઉગારવામાં આવ્યા હતા. કલાકો સુધી ફાયર ફાઈટીંગની કામગીરી બાદ આજે વહેલી સવારે ૪ વાગે બુઝાવવામાં આવી હતી.
દરમ્યાન આગની વિડિયો વાઈરલ થતાં નજીકના એરિયામાંથી કેટલાય લોકો જોવા દોડી ગયા હતા.
ડોંબિવલીમાં સિલિન્ડર ફાટતાં બે ઘાયલ
ડોંબિવલીના સાગર્લી ખાતે એક સોસાયટીના ઘરમાં રાંધણગેસનું સિલિન્ડર ફાટતા બે જણ ગંભીર રીતે જખમી થયા હતા. પ્રચંડ ધડાકાને લીધે રસોડામાં ભારે નુકસાન થયું હતું. ધડાકા સાથે લાગેલી આગમાં રોશની માંગેલાલ બિશ્નોઈ (૩૮) ૭૦ ટકા અને હનુમાન બિશ્નોઈ (૨૮) ૨૦ ટકા દાઝી ગયા હતા. તેમને એમઆઈડીસીના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.