Satya Tv News

ભક્તોને મન જેટલો મહિમા રથમાં બિરાજમાન જગન્નાથજીના દર્શનનો છે તેટલો જ મહિમા રથયાત્રામાં મળતા મગ પ્રસાદને ગ્રહણ કરવાનો પણ છે. કારણ કે મગ પ્રસાદ વગર તો રથયાત્રા અધુરી જ લાગે છે.

આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા
ભક્તોને આપવામાં આવી રહ્યો મગ અને જાંબુનો પ્રસાદ
રથયાત્રામાં કેમ અપાય છે મગનો પ્રસાદ?

દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાય છે. આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળી છે. ભગવાન આજે 72 વર્ષ બાદ નવા રથ પર બિરાજમાન થયા છે. ભગવાન જગન્નાથ નંદીઘોષ રથ પર બિરાજમાન થયા છે. બહેન સુભુદ્રાજી દવલદન રથ પર બિરાજમાન થયા છે. જ્યારે ભાઈ બલરામ તાલધ્વજ રથ પર બિરાજમાન થયા છે. રથયાત્રા અત્યારે સરસપુર નજીક પહોંચી છે. ભગવાનની રથયાત્રામાં ભક્તોને કાંકડી, જાંબુ અને મગનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. શું તમે એ જાણો છો કે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં મગનો જ પ્રસાદ કેમ હોય છે? આવો આજે આપને જણાવીએ

રથ ખેંચનારા ખલાસીઓ અને સાથે પદયાત્રીઓ માટે મગનો પ્રસાદ શક્તિવર્ધક માનવામાં આવે છે. મગના પ્રસાદથી ભક્તો થાક ઓછો અનુભવે છે. વર્ષોથી મગની સાથે સૂકા મેવાની ખીચડી પણ પ્રસાદમાં આપવામાં આવે છે. ભગવાનને બ્રહ્મ મુહૂર્તમાં ખીચડીનો પ્રસાદ ધરાવાય છે અને પછી આ તમામ ચીજો ફણગાવેલા મગ, કાકડી અને જાંબુનો પ્રસાદ વહેચવામાં આવે છે. આ સિવાય આ ખાસ દિવસે માલપુઆ, ગાંઠિયા તથા બુંદીનો પ્રસાદ પ્રભુને પ્રિય હોવાથી તેને પણ ધરાવવામાં આવે છે.

અષાઢી બીજ એ ચોમાસાના આરંભનો સમય છે. આ સમય દરમિયાન આંખને અસર કરતાં જીવાણુઓ બહોળા પ્રમાણમાં હોય છે. આંખનો ચેપ મેડિકલ સાયન્સમાં કન્જક્ટિવાઈટિસ તરીકે ઓળખાય છે. પ્રાચીન સમયમાં પણ આ રોગની અને તેના નિરાકરણની સ્પષ્ટ ઓળખ હશે એવું રથયાત્રાની પરંપરાના આધારે માની શકાય. કારણ કે, પુરાણોની કથામાં સ્વયં ભગવાનને પણ આંખનો રોગ થયો હોવાની વાત છે અને રથયાત્રાના પ્રસાદમાં પણ મગ અને જાંબુ આપવામાં આવે છે, જે સાધારણ રીતે અપાતાં પ્રસાદ કરતાં અલગ અને વિશિષ્ટ છે. આયુર્વેદ મુજબ મગ અને જાંબુ આંખની રક્તશુદ્ધિ માટે નૈસર્ગિક રીતે ખૂબ ગુણકારી છે.

error: