ગાંધીનગર : ગાંધીનગર કોબા હાઇવે ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે, ત્યારે આજે સવારના સમયે કોબા કમલમ કટ પાસે બાળકોને શાળાએ મૂકવા જઈ રહેલા યુવાનના મોપેડને પૂર ઝડપે જતી કારે અડફેટે લીધું હતું .અને આ ગંભીર અકસ્માતમાં યુવાનનું સ્થળ ઉપર જ મોત થયું હતું. જ્યારે ઘાયલ બંને બાળકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પુત્રીનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું. અકસ્માત કરનાર કારચાલકને લોકોએ પકડીને પોલીસના હવાલે કર્યો હતો.
ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે, ત્યારે આજે સવારના સમયે ગાંધીનગર કોબા હાઈવે ઉપર અકસ્માતની વધુ એક ઘટનામાં યુવાનનું મોત થયું છે. જ્યારે પુત્રી જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહી છે. આ અંગે મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર કોર્પોરેશનના દંડક તેજલ યોગેશ નાઈના ભાઈ કોબા પાસે આવેલી મહાવીર હિલ્સ વસાહતમાં રહેતા ભાસ્કર પ્રવીણ પારેખ આજે સવારના સમયે તેમની ૧૮ વર્ષીય પુત્રી ઝરણા અને છ વર્ષના પુત્ર જીયાન સાથે તેમના મોપેડ ઉપર કોબા શાળાએ મુકવા જઈ રહ્યા હતા તે દરમિયાન કમલમ કટ પાસે તેઓ માર્ગ ઓળંગી રહ્યા હતા,તે સમયે ગાંધીનગર તરફથી રોકેટ ગતીએ આવી રહેલી કારના ચાલકે ભાસ્કરના મોપેડ સાથે અકસ્માત સર્જ્યો હતો.અને ૫૦૦ મીટર સુધી તેમના મોપેડને ઢસડી લીધું હતું. આ ગંભીર અકસ્માતમાં ભાસ્કર અને તેમના બે બાળકો ફંગોળાયા હતા. અકસ્માતને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ગંભીર રીતે ઘાયલ ત્રણેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. જ્યાં ફરજ પરના તબીબે ભાસ્કરભાઈને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ઝરણાને શરીરે ગંભીર ઈજા હોવાથી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. સાંજના સમયે સારવાર દરમિયાન ઝરણાનું પણ મોત થયું હતું આ ઘટનાને પગલે કોબા ગામમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી હતી. અકસ્માત સર્જનાર કારના ચાલક કલોલની પંચવટી વસાહતમાં અમૃતકુંજ સોસાયટીમાં રહેતા શુભ શૈલેષકુમાર પટેલને લોકોએ ઝડપી લીધો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. આ મામલે ઇન્ફોસિટી પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી હતી.
ગાંધીનગર કોબા હાઇવે ઉપર મોટાભાગના ગામોના કટ બંધ કરી દેવામાં આવ્યા છે જેના કારણે અવારનવાર ગામ તરફ જવા માગતા વાહનચાલકોને અકસ્માતનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ખુલ્લા રખાયેલા કોબા કમલમ કટ પાસે સ્પીડ બ્રેકરના અભાવે ગાંધીનગર અને અમદાવાદ તરફથી આવતા વાહનો રોકેટ ગતિએ દોડતા હોય છે અને અવારનવાર અકસ્માત સર્જાતો હોવાથી આજની આ ઘટનાને પગલે રોષે ભરાયેલા સ્થાનિકોએ સ્પીડ બ્રેકર મુકવાની માંગ સાથે આ હાઇવેનો ચક્કાજામ કરી દીધો હતો. જેના પગલે અડધો કલાક કરતાં વધુ સમય સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો અને પોલીસની ટીમો દોડી આવી હતી અને ત્યારબાદ માર્ગને ખુલ્લો કર્યો હતો.પિતા અને પુત્રીનું મોત, એક ઘાયલ