Satya Tv News

સીસીટીવીનું ફૂટેજ સામે આવ્યા બાદ પિતા દ્વારા ફરિયાદ

શિક્ષિકાએ ઓઢણીથી બાંધી તમાચા માર્યાઃ બાળકનું વર્તન બદલાતાં માતાને શંકા ગઈઃ નૌપાડા પોલીસે ગુનો દાખલ કર્યો

મુંબઇ : થાણેના પાંચપખાડી વિસ્તારમાં આવેલ એક પ્રીસ્કૂલમાં ત્રણ વર્ષના એક બાળકને ખુરશી સાથે બાંધી તેની મારપીટ કરવાનો આરોપ થતા ખળભળાટ મચી ગયો છે. આ મામલે બાળકના પિતાએ થાણેના નૌપાડા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે કેસ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બાળક સાથે ગેરવર્તનની આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી.

આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર થાણેના પાંચપખાડી વિસ્તારમાં આવેલ એક પ્રસિદ્ધ પ્રીસ્કૂલમાં ત્રણ વર્ષના એક બાળકને પ્રીસ્કૂલની શિક્ષિકાએ શનિવારે ખુરશી સાથે બાંધી તેને તમાચા ઝીંકી દીધા હોવાનો આરોપ ત્રણ વર્ષના બાળક અહાનના પિતા દિનેશ શેટ્ટીગરે કર્યો હતો. દિનેશ શેટ્ટી ગરે આ બાબતે વધુમાં જણાવ્યું હતું કે શનિવારે જ્યારે તેની માતા અહાનને લેવા પ્રી સ્કૂલમાં ગઇ ત્યારે બાળકના વર્તનમાં ફરક જોઇ તેમને કાંઇક અયોગ્ય થયું હોવાની લાગણી થઇ હતી. અહાનના મોઢા પરથી તે દેખીતી રીતે વિચલિત લાગતો હતો. આ ઘટના બાદ તેણે સ્કૂલમાં જવા બાબતે પણ ઉદાસીનતા દાખવી હતી. બાળકની પૂછપરછ કરાતા ટીચરે તેને ખુરશી સાથે બાંધી માર્યો હોવાનું તેણે જણાવ્યું હતું. આ ઉપરાંત બાળકના પિતાએ મેળવેલ સીસીટીવી ફૂટેજમાં પણ ટીચર તેને ઓઢણીથી ખુરશી સાથે બાંધી રહી હોવાનું સ્પષ્ટ થયું હતું.

આ બાબતે શેટ્ટીગરે પ્રીસ્કૂલના પિર્નિસિપાલને સંપર્ક કર્યો હતો પણ તેમણે જણાવ્યું હતું કે બાળકને ટીચરે ખુરશી સાથે બાંધ્યો નહોતો પણ ફક્ત તેનો હાથ જ પકડયો હતો. ત્યારબાદ શેટ્ટીગરે આ બાબતે નૌપાડા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે કેસ નોંધી આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.

error: