Satya Tv News

જામનગરમાં બિપોરજોય વાવાઝોડા દરમિયાન ઢળી પડેલા વીજળીના થાંભલા સાથે બાઈક અથડાતા યુવકનું મોત થયું છે. સ્થાનિકો દ્વારા આ મામલે ભારે દુઃખની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ મામલે જરુરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

જામનગર જિલ્લાના નાના થાવરીયા નજીક ગ્રામ્ય પંથકમાં રસ્તામાં નમી પડેલા વીજ થાંભલા સાથે બાઈક અથડાતા આશાસ્પદ યુવાનનું મૃત્યું નીપજ્યું છે. વાવાઝોડાના ગયા પછી ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા પર પડેલા વીજળીના થાંભલા જોખમી સાબિત થઈ રહ્યા છે. અકસ્માતમાં મોતને ભેટેલા યુવકનું મોત થતા સ્થાનિકોમાં ગમગીની છવાઈ છે. લોકો દ્વારા ગ્રામ્ય વિસ્તારના પડેલા વીજળીના થાંભલાનું તાત્કાલિક સમારકામ કરવાની માગણી કરવામાં આવી રહી છે. જોકે, આમ છતાં રસ્તા પર વીજળીના થાંભલા પડેલા હોવાથી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.

જામનગરના નાના થાવરીયાથી હડમતીયા તરફ જતા રસ્તે વાવાઝોડા દરમિયાન વીજળીના થાંભલા રસ્તા પર પડ્યા હતા, આ ઘટના ધ્યાને આવતા નાના થાવરીયાના સરપંચ દ્વારા તાત્કાલિક અસરથી આ થાંભલાના સમારકામની માગણી કરવામાં આવી હતી.

જોકે, થાંભલાનું સમારકામ ન થયું, આવામાં રાત્રીના સમયે પસાર થઈ રહેલા યુવકનું અકસ્માતમાં મોત થઈ ગયું છે. GJ 10 AL 2091 નંબરની મોટર સાયકલ લઈને આવી રહેલા બે યુવાનો રસ્તો ખરાબ હોવાને કારણે અંધારામાં વીજળીના થાંભલા સાથે અથડાયા હતા.

આ અકસ્માતમાં બાઈકની પાછળ બેઠેલા મોટા થાવરીયાના યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું મોત થઈ ગયું છે. બનાવના સ્થળ પર પહોંચેલા લોકોના રૂંવાડા ઉભા થઈ ગયા હતા.

આશાસ્પદ યુવકનું મોત થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે, જામનગરના નાના થાવરીયાના સરપંચ દ્વારા આ અંગે અગાઉ વાવાઝોડા બાદ તાત્કાલિક રસ્તા પરના સમારકામ માટે રજૂઆત પણ કરવામાં આવી હતી.

જોકે, આમ છતાં પણ કોઈ દરકાર ન લેવાતા અકસ્માત સર્જાયો છે, પીજીવીસીએલ દ્વારા તાત્કાલિક રસ્તા પર પડેલા થાંભલા ઊભા કરીને આ પ્રકારના અકસ્માતો અટકાવાય તે માટે તકેદારી રાખવાની માગણી કરવામાં આવી રહી છે.

error: