કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જે મુજબ રાજ્યસભાની 10 બેઠકો માટે આગામી 24 જુલાઈના રોજ ચૂંટણી યોજાશે. રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે.
રાજ્યસભાની 3 બેઠકો માટે યોજાશે ચૂંટણી
ભાજપના રાજ્યસભાના ઉમેદવારો માટે અટકળો તેજ
ઉમેદવાર તરીકે પૂર્વ CM વિજય રૂપાણીનું નામ ચર્ચામાં
10 જુલાઈએ ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થશે
રાજ્યસભાની ચૂંટણીને લઈને નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. જે મુજબ ગુજરાતમાંથી રાજ્યસભાની 3 બેઠકો માટે ચૂંટણી યોજાશે. 13 જુલાઈ નોમિનેશન કરવાની અંતિમ તારીખ છે. 14 જુલાઈએ ફોર્મની ચકાસણી કરવામાં આવશે. 17 જુલાઈ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે. આગામી 24 જુલાઈએ 3 બેઠકોની ચૂંટણી યોજાશે. રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા તડામારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
પાર્ટી હાઈકમાન્ડ દ્વારા આગામી 26 જુલાઈ સુધી તમામ ધારાસભ્યોને ગુજરાતમાં જ રહેવાની સૂચના આપવામાં આવી છે. રાજ્ય સભાની ચૂંટણીને લઈને આગામી 7 જુલાઈના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ દિલ્હી જશે. જ્યાં તેઓની હાઈકમાન્ડ સાથે બેઠક યોજાશે. દિલ્હીથી પરત આવ્યા બાદ 10 જુલાઈના રોજ ગાંધીનગર કમલમ ખાતે ભાજપની પાર્લામેન્ટ્રી બેઠક યોજાશે.
ચૂંટણીની તડામાર તૈયારીની વચ્ચે હવે ભાજપના રાજ્યસભાના ઉમેદવારોના નામને લઈને અટકળો તેજ થઈ ગઈ છે. આ વખતે રાજ્યસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના ભાજપના કેટલાક આગેવાનોને તક મળે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. સૌરાષ્ટ્રમાં રામ મોકરિયા, મનસુખ માંડવિયા, પરષોત્તમ રૂપાલા પ્રતિનિધિત્વ કરે છે. ત્યારે હવે ઉમેદવાર તરીકે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ ચર્ચામાં આવ્યું છે. વિજય રૂપાણી અગાઉ પણ રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. જોકે, 10 જુલાઈના રોજ ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
રાજ્ય સભામાં જુલાઈ અને ઓગસ્ટમાં 10 બેઠકો ખાલી થઈ રહી છે, જેમાં વિદેશ મંત્રી એસ. જયશંકર અને તૃણમૂલ કોંગ્રેસ નેતા ડેરેક ઓ’બ્રાયન ની સીટો પણ સામેલ છે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના ગોવાના સભ્ય વિનય ડી. તેંડુલકર, ગુજરાતમાંથી જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયા, પશ્ચિમ બંગાળથી TMC સભ્યો ડોલા સેન, સુસ્મિતા દેવ, શાંતા છેત્રી અને સુખેન્દુ શેખર રાયનો સમાવેશ થાય છે. કોંગ્રેસના સભ્ય પ્રદીપ ભટ્ટાચાર્યનો કાર્યકાળ પણ ઓગસ્ટમાં પૂરો થઈ રહ્યો છે.
આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદન અનુસાર, ઉપલા ગૃહના 10 સભ્યો તેમનો છ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવાના કારણે 28 જુલાઈથી 18 ઓગસ્ટની વચ્ચે સેવાનિવૃત્ત થઈ રહ્યા છે. અન્ય એક નિવેદનમાં પંચે કહ્યું છે કે, પશ્ચિમ બંગાળમાંથી TMCના લુઇઝિન્હો જોઆકિમ ફાલેરિયોના રાજીનામા બાદ રાજ્યસભામાં ખાલી પડેલી જગ્યા ભરવા માટે 24 જુલાઈએ પેટાચૂંટણી પણ યોજાશે. તેમણે એપ્રિલમાં રાજીનામું આપ્યું હતું, જોકે, તેમનો કાર્યકાળ એપ્રિલ, 2026માં પૂરો થવાનો હતો.