Satya Tv News

મહારાષ્ટ્રમાં NCPનું રાજકીય સંકટ ઘેરું બન્યું છે. બળવાખોર નેતા અજિત પવારે કાકા શરદ પવારની સામે મોટું એક્શન લેતા તેમને પાર્ટી પ્રેસિડન્ટ તરીકે હટાવી દીધાં છે.

મહારાષ્ટ્રમાં NCPનું રાજકીય સંકટ ઘેરું બન્યું
બળવાખોર અજિત પવારે લીધું મોટું એક્શન
શરદ પવારને એનસીપી પ્રેસિડન્ટ તરીકે હટાવ્યાં
પોતે બન્યાં પાર્ટી પ્રેસિડન્ટ, ચૂંટણી પંચમાં કર્યો દાવો

મહારાષ્ટ્રમાં NCPનું રાજકીય સંકટ વધુને વધુ ઘેરુ બની રહ્યું છે. બળવાખોર અજિત પવાર અને શરદ પવાર છાવણી આજે સામસામે આવીને એકબીજાના જૂથની બેઠક કરીને આરોપ-પ્રત્યારોપ કર્યાં હતા. મહારાષ્ટ્રના રાજકારણમાં ભીષ્મ પિતામહનો દરજ્જો ધરાવતા શરદ પવાર કદાચ તેમની રાજકીય ઇનિંગ્સના સૌથી મુશ્કેલ તબક્કામાં છે. એક તરફ લગભગ 40 ધારાસભ્યો તોડવાનો દાવો કરતા અજીત પવાર ભાજપ અને એકનાથ શિંદે સરકારમાં ડેપ્યુટી સીએમ બન્યા છે. ભત્રીજાની આગેવાની હેઠળના જૂથે ચૂંટણી પંચનો સંપર્ક સાધ્યો છે, અને પાર્ટી અને તેના પ્રતીકો પર પોતાનો અધિકાર જાહેર કર્યો છે. એટલું જ નહીં અજિત પવાર જૂથે ચૂંટણી પંચમાં કહ્યું છે, કે તેમની પાસે બે તૃતીયાંશથી વધુ ધારાસભ્યો છે. એટલા માટે પાર્ટી તેમની છે.

અજિત પવાર જૂથે ચૂંટણી પંચને જણાવ્યું છે કે શરદ પવાર હવે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ નથી રહ્યા. તેમની જગ્યાએ અજીત પવાર રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા છે. જૂથે જણાવ્યું હતું કે, પક્ષના કાર્યકારી પ્રમુખ પ્રફુલ પટેલના કહેવાથી રાષ્ટ્રીય કારોબારીની બેઠક બોલાવવામાં આવી હતી. તેમાં શરદ પવારને અધ્યક્ષ પદેથી હટાવી અજીત પવારની વરણી કરવામાં આવી હતી. ચૂંટણી પંચને એવું પણ કહેવામાં આવ્યું કે અજિત પવારને અધ્યક્ષ તરીકે ચૂંટવા માટે 30 જૂને એક બેઠક બોલાવવામાં આવી હતી. એટલું જ નહીં પ્રદેશ પ્રમુખ તરીકે સુનિલ તટકરેને જવાબદારી સોંપવામાં આવી છે.

આજે શરદ પવાર અને અજીત પવાર જૂથે ધારાસભ્યોની અલગ અલગ બેઠક પણ બોલાવી હતી. અજિત પવારના જૂથની બેઠકમાં 30થી વધુ ધારાસભ્યોએ હાજરી આપી હતી, જ્યારે શરદ પવારના નિવાસસ્થાને માત્ર એક ડઝન જ હાજર રહ્યા હતા. શરદ પવાર છાવણી માટે આ એક આંચકો માનવામાં આવી રહ્યો છે. તેની અસર શરદ પવારની ભાષા અને બોડી લેંગ્વેજ પર પણ જોવા મળી હતી. “જો અજિત પવારના મનમાં કંઈ હોત તો તેઓ મને કહી શક્યા હોત. તેમણે કહ્યું કે કોઈપણ સમસ્યાનો ઉકેલ વાતચીત દ્વારા લાવી શકાય છે. આ પ્રસંગે શરદ પવારે પણ સ્વીકાર્યું હતું કે તેમની પાર્ટીને પણ શિવસેના જેવી જ કટોકટીનો સામનો કરવો પડ્યો છે.

અજિત પવારે પોતાના ભાષણમાં પોતાના ઇરાદા વ્યક્ત કર્યા છે. “એક રાજકારણીની સક્રિય ઉંમર 25 થી 75 વર્ષ હોય છે, પરંતુ તમે 83 વર્ષના થઈ ગયા છો. તમે ક્યાં રોકાશો? આ રીતે તેમણે શરદ પવારને રાજકારણમાંથી સંન્યાસ લેવાની સલાહ આપી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હું મુખ્યમંત્રી બનવા માંગુ છું. મારી પાસે રાજ્યના લોકો માટે ઘણું બધું છે અને હું તે આપવાની જવાબદારી માંગું છું.

error: