Satya Tv News

આ પ્રેરણા પ્રખ્યાત યુટ્યુબર અને સમાજસેવા સાથે જોડાયેલા ખજૂરભાઈથી મળી છે.અર્જુન વસાવા

નર્મદા: દેશભરમાં ટામેટાંના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે આવી મોંઘવારીમાં ટામેટાંના ભાવ વચ્ચે એક યુવકનો અનોખો સેવાયજ્ઞ જોવા મળ્યો છે. ત્યારે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના મોસ્કુટ ગામના ૨૮ વર્ષીય આદિવાસી યુવક, જે ઉમરપાડા તાલુકાના કેવડી બજારમાં રોજિંદા ૨૦ થી ૨૫ કિલો ટામેટાંની ખરીદી કરે છે અને ત્યાંજ ગરીબ પરિવારોને વિનામૂલ્યે એનું વિતરણ પણ કરે છે. અર્જુન વસાવા એક ગરીબ પરિવાર માંથી આવે છે, જેથી તે સારી રીતે ગરીબ પરિવારોની વેદના સમજી શકે છે, ટામેટાંના ભાવ વધતાં ગરીબો માટે ટામેટાં ખરીદવા મુશ્કેલ બની ગયાં છે, જેથી તેણે સ્થાનિક ખેડૂતો પાસેથી ટામેટાંની ખરીદી કરી ગરીબ લોકોને વિનામૂલ્યે વિતરણ કરવાનું નક્કી કર્યું છે. અર્જુન વસાવાને આ પ્રેરણા ગુજરાતના પ્રખ્યાત યુટ્યૂબર અને ગરીબોના મસીહા તરીકે ઓળખાતા અને સમાજસેવા સાથે જોડાયેલા ખજૂરભાઈ (નીતિન જાની)થી મળી છે. આ અંગે મીડિયા એ અર્જુન વસાવા સાથે વાત કરતા
આ અનોખો સેવાયજ્ઞ ચલાવી રહેલા અર્જુન વસાવાએ જણાવ્યું હતું કે ડેડિયાપાડા તાલુકાના મોસ્ફુટ ગામનો હું રહેવાસી છું. મારું નામ અર્જુનભાઈ છનાભાઈ વસાવા છે. હું જે ટામેટાં ગરીબ લોકોને વિતરણ કરું છું એ ખેડૂત પાસેથી ખરીદી કરું છું. હાલમાં ટામેટાંનો ભાવ ૧૫૦ થી વધીને ૨૦૦ સુધી પહોંચી ગયો છે. ભાવ વધે એનો હું વિરોધ નથી કરતો, પણ ગરીબ માણસો ટામેટાં ની ખરીદી કરીને ખાઈ નથી શકતા, બસ ખાલી જોઈને ખુશ થાય છે.

હું કોઈ જ ધંધો નથી કરતો’ તેણે વધુમાં જણાવતાં કહ્યું, હું પણ એક ગરીબ પરિવાર માંથી છું, એટલે મારાથી જેટલું બને છે એટલું હું કરું છું. હું રોજ ખેડૂત પાસેથી ૨૦ થી ૨૫ કિલો ટામેટાં લઉં છું અને ત્યાં જ ગરીબ લોકોને આપું છું. લોકો ખુશ થાય ત્યારે મને ખૂબ આનંદ થાય છે. આપણા ગુજરાતના ગૌરવ નીતિન જાની થી પ્રેરિત થઈ હું આ બધું શીખ્યો છું. મારાથી જેટલી મદદ થશે એ હું કરતો રહીશ. હું કોઈ જ ધંધો નથી કરતો, માત્ર ખેતી કરું છું. ખેતીમાં જેટલું કમાઈશ એ પ્રમાણે ગરીબને દાન કરતો રહીશ.

હાલ વરસાદી સીઝનનાં પગલે દેશભરમાં ટામેટાંના ભાવ આસમાને આંભી ૧૫૦ થી ૨૦૦ રૂપિયા સુધી પહોંચી ગયા છે, જેથી ગરીબ પરિવારો માટે રસોઇના રાજા તરીકે ઓળખાતા ટામેટાં ખાવા માટે દુશ્મન બન્યો હોય એવું જોવા મળી રહ્યું છે. ઊંચા ભાવોને પગલે ભલભલાનું બજેટ ખોરવી નાખનારાં ટામેટાંના વિક્રમસર્જક ભાવોના પગલે અને મોંઘવારીના માર વચ્ચે ગરીબ લોકોએ ટામેટાં થી અળગા રહેવાનો વારો આવ્યો છે. ત્યારે આ મોંઘા ટામેટાં દરેક ગરીબ પરિવારના રસોડા સુધી પહોંચે એ માટે મોસ્કુટ ગામના એક ગરીબ ખેડૂત પરિવારના ૨૮ વર્ષીય આદિવાસી યુવકે અનોખો સેવાયજ્ઞ શરૂ કર્યો છે, જે હાલ સમગ્ર ઉમરપાડા તાલુકામાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા

error: