ભત્રીજાએ કાકા અને પિતરાઇ ભાઇ વિરુધ્ધ પોલીસમાં ફરિયાદ લખાવી
ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે બાથરુમ તેમજ ધાબાના વરસાદના પાણીની પાઇપ ગટરમાં જોડવાની વાતે કાકા અને ભત્રીજા વચ્ચે ઝઘડો થતાં પોલીસમાં ફરિયાદ થવા પામી હતી. ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયાના સ્ટેશન રોડ ખાતે રહેતા મયંકકુમાર હસમુખ પ્રજાપતિના ઘરના બાથરૂમ અને ધાબાના વરસાદના પાણીની પાઇપનું કામકાજ કરીને પાઇપ લાઇન જમીન પર નીચે સુધી ઉતારી હતી. આ પાઇપ લાઇનને ગટર લાઇન સાથે જોડવાના કામ માટે તેમણે બે મજુર બોલાવ્યા હતા, દરમિયાન ગત તા.૮ મીના રોજ સવારના નવ વાગ્યાના અરસામાં પાઇપ લાઇનને ગટર સાથે જોડવા માટે જમીનમાં ખાડો ખોદીને જમીનમાં નીચેથી પસાર થતી ગટર સાથે પાઇપનું જોડાણ કર્યું હતું અને ખાડો પુરવાનો હજુ બાકી હતું. ત્યારબાદ બપોરના બાર વાગ્યાના સમયે તેમના ઘરની પાછળ રહેતા તેમના કૌટુંબિક કાકા સુમન હિંમત પ્રજાપતિ આવ્યા હતા, અને ગાળો બોલીને કહેવા લાગ્યા હતા કે ગટરનું કામ બંધ કરી દે અને મારી જગ્યામાં કરેલ દબાણ તોડી નાંખ.જેથી મયંક એ તેમને ગાળો બોલવાનું ના કહેતા તેઓ ઉશ્કેરાઇ જઇને ઝપાઝપી કરવા લાગ્યા હતા. તે વખતે સુમન નો છોકરો હેમલ ઉર્ફે કાળીયો ત્યાં દોડી આવ્યો હતો. અને ગાળો બોલીને મયંક ને ઢિકાપાટુનો માર મારવા લાગ્યો હતો. તેમજ નજીકમાં પડેલ ત્રીકમ ઉપાડી લેતા મયંકે ત્રીકમ પકડી લીધો હતો, આ ઝપાઝપી દરમિયાન છોડાવવા વચ્ચે પડનાર મયંકભાઇના માતાને માથાના ભાગે ત્રીકમ વાગી જતા સાધારણ ઇજા થઇ હતી.ત્યારબાદ બન્ને બાપ દિકરા ધમકી આપીને ત્યાંથી જતા રહ્યા હતા. મયંકની માતાને ઇજા થતાં સારવાર માટે અવિધા સરકારી દવાખાને લઇ જવાયા હતા. સુમન મયંક ના કૌટુંબિક કાકા થતા હોઇ તેઓ પોલીસમાં ફરિયાદ આપવા માંગતા નહતા, પરંતું ત્યારબાદ મયંક ના માતાને માથાના ભાગે દુખાવો થતો હોવાથી મયંકભાઇએ તેમના કાકા સુમન હિંમત પ્રજાપતિ અને પિતરાઇ ભાઇ હેમલ સુમન પ્રજાપતિ બન્ને રહે.ઝઘડિયા જિ.ભરૂચના વિરુધ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર તપાસ હાથ ધરી હતી.