બનાસકાંઠાના ડીસા ખાતે અંધજન મંડળ સંચાલિત ખુશીઓનું સરનામું તરીકે જાણીતું દિવ્યાંગ ભવન આવેલું છે. આ સેન્ટરમાં 60થી વધુ બાળકો અલગ અલગ વોકેશનલ તાલીમ મેળવી રહ્યા છે. બનાસકાંઠામાં વિવિધ વોકેશનલ તાલીમ દ્વારા દિવ્યાંગો પગભર બનાવવાના મિશન ઉપર આ દિવ્યાંગ ભવન કામ કરી રહ્યું છે.
જેમાં બાળકોને પેપર બાઉલ, પેપર ડીશ, દીવા, રાખડી સહિતની વસ્તુઓ બનાવવાની તાલીમ અહીં આપવામાં આવે છે.ટૂંક જ સમયમાં ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનનું આગમન થવાનું છે. આ તહેવારને લઈને તમામ બાળકો પોતાના હાથે અવનવી ડિઝાઈન ધરાવતી રાખડી બનાવી રહ્યા છે.રાખડી તૈયાર થયા બાદ આ સેન્ટરના સ્ટાફ અને બાળકો દ્વારા અલગ અલગ સંસ્થાઓ મારફતે સ્ટોલ બનાવી રાખડીઓનું વેચાણ કરતા હોય છે. રાખડીના વેચાણ થકી થતી તમામ આવક દિવ્યાંગ બાળકો પાછળ ખર્ચ કરવામાં આવે છે.