રાજ્યના વિવિધ નગરમાં ભંગાર વીણવાના બહાને આંટાફેરા કરી ચોરીની ઘટનાને અંજામ આપતી મૂળ બનાસકાંઠાના શિરવડા ગામની અને હાલે રાધનપુર રહેતી ૩૦ વર્ષીય ટીના ઉર્ફે ટીની નામધારી મહિલા તસ્કરને લાકડીયા પોલીસે ઝડપી લીધી હતી.
બાતમીદાર અને ટેકનિકલ સર્વેલન્સની મદદ વડે સામખિયાળી રાધનપુર હાઇવે પરથી ફરાર થાય તે પહેલાજ ચોર મહિલાને દબોચી લેવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, મહિલા તસ્કર ખાસ પ્રકારની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. જે રહેણાક વિસ્તારોમાં ભંગાર વીણવાના બહાને કચરો એકત્રિત કરતી હોવાનો ડોળ બતાવતી ફરે છે અને જે ઘરે તાળું દેખાય ત્યાં રેકી કરી બાદમાં દરવાજાનું તાળું કે નકુચો તોડી મકાન માંથી રોકડ કે કિંમતી સામાનની ચોરીને અંજામ આપી ફરાર થઈ જતી. આજ પ્રકારે ભચાઉ તાલુકાનાં લાકડીયા ગામે એક રહેણાક મકાનમાં રૂ. ૨૫ હજાર રોકડા અને એક હજારની કિંમતની કટલેરી આઈટમની ચોરી કરી હતી. જર બાદ તે નાસી જવાની ફિરાકમાં હતી અને જે દરમિયાન ચોરીને અંજામ આપનાર મહિલા આરોપીને સામખિયાળી રાધનપુર હાઇવે પરથી લાકડીયા પોલીસ દ્વારા ગણતરીના સમયમા જ પકડી પાડવામાં આવી હતી. ઈક્કા નામની મહિલા આરોપી પાસેથી લાકડીયાથી ચોરાયેલી રોકડ સહિત રૂ. ૨૬ હજારનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, મહિલા આરોપી સામે લખપત, દુધઈ, ધાનેરા, વાવ અને દિયોદર સહિત કુલ ૧૧ પોલીસ મથકે ચોરીના ગુના દાખલ છે.