Satya Tv News

માય લીવેબલ અંકલેશ્વર નામે સાફસફાઈના તાયફા

ગામ આખાનો કચરો જ્યાં ત્યાં કરાઈ રહ્યો છે ડમ્પ

એક્સપ્રેસ વે – બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઈડ પર નાખ્યો કચરો

વેસ્ટ મેનેજમેન્ટ સાઈડના વ્યવસ્થાપનને કરાયો નજર અંદાઝ

શું નજર અંદાઝ કરીને ધાર્યા પરિણામો હાંસલ થશે ખરા

ભરૂચ બાદ અંકલેશ્વરને લીવેબલ બનાવવા લાખો રૂપિયાના ખર્ચ વડે સાફસફાઈ કરાવવાની મથામણ ચાલી રહી છે પરંતુ દિવા તળે અંધારા સમ પાલિકા સંચાલિત વેસ્ટ મેનેજમેન્ટ સાઈડ એટલે કે સુકાવલીની હાલત જાહેર સ્વાસ્થ્ય માટે દયનીય અને જોખમી બની રહી છે.

અંકલેશ્વર પાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘માય લીવેબલ અંકલેશ્વર ‘ પ્રોજેક્ટ અંતર્ગત સધન સફાઈ અભિયાનની નેમ સેવાઈ છે. આજકાલ અંકલેશ્વરના જાહેર સ્થળો ઉપર આ અભિયાન સંલગ્ન ભીંત ચિત્રો, રાત્રી સફાઈ સાંસ્કૃતિક કાર્યક્રમોનુ આયોજન હાથ ધરાઈ રહ્યુ છે. જોકે ગામ આખાનો ઉકરડો એવી સુકાવલી સાઈડના વ્યવસ્થાપનમાં ઈચ્છા શક્તિનો અભાવ જોવા મળી રહ્યો છે. સ્થાનિક સતાધિશો માટે સુકાવલી સાઈડ કમાણીનુ સ્થાન બનીને રહ્યુ છે.

અંકલેશ્વરના ઉમરવાડા રોડ ઉપર આવેલ સુકાવલી સાઈડ લાંબા સમયથી ગેરવહીવટ અને ખાયકીની અનેક ઘટનાઓને કારણે વિવાદના ઘેરામાં રહેતી આવી છે.કોરોના કાળ દરમ્યાન લોક ડાઉનની આડમાં આ સુકાવલી સાઈડ ઉપર અંદાજે ૮૫ લાખ રૂપિયાના ખર્ચે ઉભા કરાયેલા લોખંડના શેડ રાતોરાત ભંગારમાં વેચાય ગયા હતા. તો એજ ગાળામાં જીનવાલા સ્કુલમાંથી નીકળેલી લાકડાની બેંચીસો, સાગના બારી બારણાઓનો કાટમાળ,ગટરના કાસ્ટિંગના ઢાંકણાઓ કે જે આ સાઈડ ઉપર ડમ્પ કરાયા હતા તે પણ ભંગારમાં વેચી મરાયા. આટઆટલી ગેરરીતિ અને ખાયકી ઉઘાડી પડી ગઈ છતાંય સતાધિશોએ આજદિન સુધી પોલીસ ફરિયાદ કરી નથી કે કોઈ અધિકારી કે કર્મચારી સામે શિક્ષાત્મક પગલા પણ ભર્યા નથી.

છેલ્લા કેટલાય સમયથી સુકાવલી સાઈડ ઉપર ગામ આખાનો ઘન કચરાના ઢગલે ઢગલા મંડાયા છે. તેને વર્ગીકરણ કરી તેમાંથી કોમ્પોઝીટ ખાતર બનાવવા કે તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાનું સઘળુ કાર્ય ઠપ્પ પડ્યુ છે. ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન સહીત જોઈએ તો અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારમાંથી રોજેરોજ અંદાજે ૩૫ ટન કચરો સુકાવલી સાઈડ ઉપર ઠલવાય છે.જેને એકત્ર કરવા ખાનગી એજેન્સીને રૂ.૨૭૯ પ્રતિ ટન પાલિકા તંત્ર ચુકવે છે પરંતુ સુકાવલી સાઈડ પર તેના નિકાલ કે વ્યવસ્થાપન માટે કોઈ જ જોગવાઈ પાલિકાના સતાધિશો કરતા નથી.

આ પરિસ્થિતિ વચ્ચે સૌથી ચોંકાવનારી હકીકત તો એ સામે આવી કે પાલિકાના સતાધિશો સુકાવલીનો કચરો રાત્રી દરમ્યાન આગ લગાડી બાળી નાંખવાની જાલસાઝી કરતા આવ્યા છે. ઉપરાંત હાલમાં એક્સપ્રેસ વે તેમજ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે તે પ્રોજેક્ટ સાઈડ ઉપર ઘન કચરો પ્રયત્ન પુર્વક ઠાલવી દેવાઈ છે તેમજ તેને છુપાવવા તેના ઉપર માટી પાથરી દેવામાં આવે છે. ખુદ જવાબદાર પાલિકા તંત્ર આ વિસ્તારની ખેતીલાયક જમીનને દુષિત કરવાના કારસામાં જોતરાયુ છે. આ અંગે વ્યાપક બુમરાણ થઇ રહી છે. ઉપરાંત જીપીસીબીને પણ આ અંગે ફરિયાદો થઇ હોવા છતાં આંખ આડા કાન થઇ રહ્યા છે.મળતી આધારભુત માહિતી પ્રમાણે નજીકનાં આંબોલી બોરીદ્રા ગામોની સીમમાં સુકાવલીનો કચરો ગેર કાયદેસર રીતે ડમ્પીંગ કરાઈ રહ્યો છે.હાલમાં જ સોશિયલ મીડિયા ઉપર પાલીકાના જેસીબી મશીન સાથેનો વિડિઓ વાયરલ થયો હતો.

હવે એકતરફ પાલિકા તંત્ર સાફસફાઈના તાયફાઓ કરી રહ્યુ છે બીજી તરફ સુકાવલીના કચરાને જ્યાં ત્યાં ડમ્પ કરી ગેરકાયદેસર અને જોખમી રીતે નિકાલ કરી રહ્યુ છે જે ભવિષ્યમાં વિકટ પર્યાવરણીય સમસ્યાઓ ખડી કરશે. જીપીસીબી તંત્ર પણ આ પરત્વે અંધારામાં જોવા મળી રહ્યુ છે.

અંકલેશ્વર નગરને સ્વચ્છ સ્વસ્થ અને જીવવા લાયક બનાવવાની નેમ સાથે માય લીવેબલ અંકલેશ્વર જેવો પ્રોજેક્ટ અમલી બનાવાયો છે તેમાં અંત્યંત જરૂરી એવા વેસ્ટ મેનેજમેન્ટ સાઈડના વ્યવસ્થાપનને નજર અંદાઝ કરીને ધાર્યા પરિણામો હાંસલ થશે ખરા ? તે મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: