ભરૂચના પાંચબત્તીથી બાયપાસ ચોકડી સુધીના બિસ્માર રસ્તાના પગલે હાલના ચોમાસાના દિવસોમાં ટ્રાફીકજામની સમસ્યા સર્જાઈ છે. રસ્તા પર મસમોટા ખાડા હોવાના કારણે ટ્રાફિકજામની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે. ભરૂચ નગરના પાંચબત્તીથી બાયપાસ સુધીનો રસ્તો એ મુખ્ય રસ્તો છે.
મુખ્ય માર્ગોના સમારકામ અંગે પણ ભરૂચ નગરપાલિકા દ્વારા સદંતર બેકાળજી અને બેદરકારી દર્શાવવામાં આવતી હોવાથી આ રસ્તો દિન-પ્રતિદિન બિસ્માર થઈ રહ્યો છે. અગાઉ પણ ભરૂચના સામાજીક કાર્યકર અબ્દુલ કામઠીએ આજ વિસ્તારના રસ્તાઓ અંગે અલ્ટીમેટમ આપ્યુ હતુ. નવાઈની બાબત એ છે કે પાંચબત્તીથી મહંમદપુરા અને બાયપાસ ચોકડી સુધીના રસ્તાનું વારંવાર સમારકામ કરવામાં આવે છે. જંગી ખર્ચ કરવા છતાં આ વિસ્તારના રસ્તા ટકાઉ સાબિત થતા નથી.
આવી પરિસ્થિતિમાં હાલમાં ચોમાસાના દિવસોમાં ખાડાઓમાં વરસાદી પાણીનો ભરાવો થતાં ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બને છે અને તેથી જ વાહનચાલકો પણ કફોડી પરિસ્થિતિમાં મુકાઈ જાય છે.