પોલીસ દ્વારા અકસ્માતની ઘટનાને લઈ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં ટ્રાફિક DCP નીતા દેસાઈ, ટ્રાફિક ACP એસ.જે મોદીનો કમિટીમાં સમાવેશ થાય છે. આ સાથે SG-1 ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI અપૂર્વ પટેલ, SG-2 ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI વી.બી.દેસાઈ, A ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI પી.બી.ઝાલા, N ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI કે.પી.સાગઠીયા અને M ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI એચ.જી.કટારીયાનો કમિટીમાં સમાવેશ થાય છે.
ઇસ્કોન અકસ્માતના આરોપી તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલને આજે 11 વાગે મેટ્રો કોર્ટમાં લઈ જવાશે. હાલ તથ્ય પટેલને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં છે. આ સાથે પ્રજ્ઞેશ પટેલ સરખેજ પોલીસ સ્ટેશનની લોકઅપમાં છે. મહત્વનું છે કે, ગઈકાલે સાંજે પાંચ વાગે બન્ને આરોપીની ધરપકડ કરાઈ હતી. આ તરફ ધરપકડ બાદ બન્ને આરોપીનું રી કન્સ્ટ્રકશન કરાયું હતું. આ સાથે આરોપી સાથે FSL તપાસ પણ પોલીસ દ્વારા હાથ ધરાઈ હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ દુર્ઘટનામાં સંડોવાયેલા કસૂરવારો સામે તાત્કાલિક કાયદેસરની કડક કાર્યવાહી, અટકાયત અને સંપૂર્ણ નિષ્પક્ષ તપાસના આદેશો આ ઉચ્ચસ્તરીય બેઠકમાં આપ્યા હતા. તદ્અનુસાર, અમદાવાદ શહેર પોલીસ કમિશનરની સીધી દેખરેખમાં એક જોઈન્ટ કમિશનર, ત્રણ ડી.સી.પી અને પાંચ પી.આઈ આ અકસ્માતની ઘટના અંગે તપાસ કરી રહ્યા છે.