Satya Tv News

મુંબઈ અમરાવતી પોલીસ દળમાં આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (એસીપી) તરીકે ફરજ બજાવતા ભરત ગાયકવાડે તેમની પત્ની અને ભત્રીજાની ગોળી છોડી હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. આ બન્નેને ગોળી છોડી મારી દીધા બાદ ગાયકવાડે પોતાના પર ગોળી છોડી આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો હતો. આ ઘટના પુણે શહેરના બાણેર વિસ્તારમાં આજે વહેલી સવારે ચાર વાગે બની હતી. આ ઘટના પાછળનું ખરું કારણ જાણી શકાયું નથી. એસીપી ગાયકવાડે ગોળી છોડી પત્ની મોની ગાયકવાડ (૪૪) અને ભત્રીજા દીપક ગાયકવાડ (૩૫)ની હત્યા કરી હતી.

પુણેના બાણેર-બોલવાડી વિસ્તારમાં ગાયકવાડ પરિવાર સાથે રહેતા હતા. તેઓ અમરાવતી પોલીસ દળમાં કાર્યરત હતા અને અહીંના રાજાપેઈ ડિવિઝનમાં એસીપી તરીકે ફરજ બજાવતા હતા. તેઓ થોડા દિવસો પહેલાં જ રજા પર તેમના ઘરે આવ્યા હતા. આજે વહેલી સવારે ત્રણથી ચાર વાગ્યા દરમિયાન તેમણે પહેલાં પત્ની મોની પર ગોળી છોડી તેની હત્યા કરી નાખી હતી. ગોળી છોડવાનો જોરદાર અવાજ આવતા ગાયકવાડનો પુત્ર સુહાસ અને ભત્રીજા દીપક ગાયકવાડે તેમના બેડ રૃમનો દરવાજો ખખડાવ્યો હતો, પણ બેડરૃમ અંદરથી બંધ હતો.

આ લોકોએ અન્ય ચાવીથી બેડરૃમનો દરવાજો ખોલતા ગાયકવાડે ભત્રીજા દીપક પર પણ ગોળી છોડી પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. ગાયકવાડના પુત્રે આવું ન કરવા વિનંતી કરી પણ ગાયકવાડે માન્યું નહોતું. આમ ગણતરીની મિનિટોમાં ત્રણ જણના મોત થયા હતા. અચાનક બનેલ આ ઘટનાથી ડઘાઈ ગયેલા સુહાસે આ ઘટનાની જાણ અનુઃશ્રૃકી પોલીસને કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે ધસી આવી હતી અને ત્રણેને પાસેની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ત્રણેયને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા. હાલ પોલીસ આ પ્રકરણે વધુ તપાસ ચલાવી રહી છે. એસીપીએ પોતાની સર્વિસ રિવોલ્વર કે અન્ય રિવોલ્વરમાંથી ગોળી ચલાવી હતી તેની તેમ જ ડબલ મર્ડર બાદ આત્મહત્યા પાછળ શું કારણ હતું તેની તપાસ આદરી છે.

error: