અમરોલીમાં બારી પાસે ફોનમાં ગેમ રમતી વખતે પાંચ વર્ષીય બાળાને ગમછાનો ફાંસો લાગતા બાળકીએ જીવ ગુમાવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે બારી પાસે સૂકવવા માટે નાંખવામાં આવેલો ગમછો કોઈક રીતે બાળકીએ ગળામાં લપેટી લીધો હતો, જે બાદ બાળકીનો પગ લપસી જતા તેનુ ફાંસો લાગવાના કારણે મોત થયુ હતું. માતા કામમાં વ્યસ્ત હતી અને તેણે તેની દિકરીને સતત બૂમો મારી હતી પણ સામે પ્રત્યુતર ના મળતા તે જોવા ગઈ હતી તો બાળકી બેભાન અવસ્થામાં મળી આવી હતી.
ઘટનાની જાણ થતા જ બાળકીને તરત જ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન બાળકીએ અંતિમ શ્વાસ લીધા હતો. આ સમગ્ર મામલાની પોલીસને જાણ થતાં પોલીસ તંત્ર હોસ્પિટલ પહોંચ્યું હતું અને આ સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
બાળકીના પિતા એ મજૂરી કરે છે. ઉલ્લેખનીય છે કે બાળકીનું અકાળે મોત થતાં પરિવારજનોમાં આક્રંદનો માહોલ છવાયો છે.