મહારાષ્ટ્રના થાણેના શાહપુરમાં મંગળવારે વહેલી સવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. થાણેના શાહપુર સરલામ્બે વિસ્તારમાં સમૃદ્ધિ મહામાર્ગના નિર્માણ કાર્ય દરમિયાન ક્રેન એટલે કે ગર્ડર મશીન પુલ પરથી નીચે પડી ગયું હતું. પાપ્ત માહિતી મુજબ જેમાં લગભગ 17 લોકોના મોત થયા છે તેમજ ત્રણ ઘાયલ થયા છે. વિગતો મુજબ આ દુર્ઘટનામાં હજુ પણ 10થી15 લોકો અંદર જ ફસાયેલા છે. ક્રેન લગભગ 200 ફૂટથી નીચે પડી હતી જેના પછી અફરા તફરી મચી હતી. આ દુર્ઘટનાનું કારણ હજુ સુધી સ્પષ્ટ જાણવા મળ્યું નથી પરંતુ સૂત્રો પાપ્ત વિગતો મુજબ ઓવરલોડિંગને કારણે આ ઘટના બની હતી.
થયેલી દુર્ઘટના મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ટ્વીટ કરી સંવેદના વ્યક્ત કરી છે. તેમણે લખ્યું છે કે, દુર્ઘટનાથી દુઃખી છું, જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના, NDRF અને સ્થાનિક વહીવટીતંત્ર દુર્ઘટનાના સ્થળે કામ કરી રહ્યું છે. મૃતકના પરિવારજનોને 2 લાખ તેમજ ઘાયલોને રૂ. 50 હજારની સહાયની પણ જાહેરાત કરી છે
NDRFની બે ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે. પોલીસના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં સમૃદ્ધિ હાઇવેના ફેઝ-3નું કામ ચાલી રહ્યું છે. થાંભલા પર બ્રિજ બનાવવાની ક્રેન ત્યાં હતી અને આ ક્રેનની મદદથી ગર્ડરને ઉંચો કરીને જોડવામાં આવી રહ્યો હતો. ક્રેન લગભગ 200 ફૂટની ઊંચાઈએ હતી. જે મંગળવારે વહેલી સવારે શાહપુર વિસ્તારમાં આ મશીન અચાનક નીચે પડી ગયું હતું. પુલની નીચે મોટી સંખ્યામાં શ્રમિકો હતા જેઓ આ દુર્ઘટનાના ભોગ બન્યા હતાં. મશીન પડવા પાછળનું સાચું કારણ જાણી શકાયું નથી. ઈજાગ્રસ્ત લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. પાપ્ત માહિતી મુજબ એક ડઝનથી વધુ લોકો ફસાયેલા હોઈ શકે છે.