પંડવાઈના સુગર તળાવમાં ડૂબી જતાં બે યુવાનના મોત
આજુબાજુ રહેતા લોકોએ બાળકને બચાવ્યો
બંને ભાઈઓના મૃતદેહને PM અર્થે ખસેડાયા
હાંસોટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
હાંસોટ તાલુકાની પંડવાઈ સુગર ફેકટરીના તળાવની પાળી ઉપરથી પગ લપસી તળાવમાં પડેલ બાળકને બચાવવા ગયેલ બે સગા ભાઈઓ ડૂબી જતા તેઓના કરુણ મોત નીપજ્યું હતું.
માંગરોળ તાલુકાના કુવરદા ગામની હરીક્રીશ્ના રેસિડેન્સીમાં રહેતા ૩૮ વર્ષીય રાજીવ બાબુલાલ ગુપ્તા અને ૪૮ વર્ષીય રાજેશ બાબુલાલ ગુપ્તા હાંસોટ તાલુકાની પંડવાઈ સુગર ફેકટરીમાં નોકરી કરે છે.જેઓ બંને ગતરોજ નોકરી ઉપર હતા, તે દરમિયાન રાજીવ ગુપ્તાનો ૭ વર્ષીય પુત્ર પિતાને ટીફીન આપી પરત પંડવાઈ સુગર ફેકટરીના તળાવની પાળી પરથી પસાર થઇ રહ્યો હતો, તે વેળા બાળકનો પગ લપસી જતા તે તળાવમાં ડૂબવા લાગતા પિતા અને કાકાએ બાળકને ડૂબતા જોતા બંને ભાઈઓએ બાળકને બચાવવા માટે તળાવમાં ઝપલાવ્યું હતું, જો કે તેઓ બંને પણ ડૂબવા લાગતા તેઓએ બુમરાણ મચાવતા આજુબાજુ કામ કરતા લોકો દોડી આવ્યા હતા,અને સાત વર્ષીય બાળકને બચાવી લીધો હતો,જયારે બંને સગાભાઈઓ તળાવના ઊંડા પાણીમાં ડૂબી જતા બંનેનું કરુણ મોત નીપજ્યું હતું.બનાવ અંગે હાંસોટ પોલીસે ગુનો નોંધી બંને ભાઈઓના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી હાંસોટ