શહેરના પાંડેસરાના ગણેશ નગરમાં વધુ 1 યુવકનું તાવમાં સપડાતાં મોત થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણેશ નગર ખાતે રહેતા ટુના રન્કા ગૌડા નામના યુવકને શનિવારે તાવ આવ્યા બાદ મોડી સાંજે તબિયત લથડી હતી. જે બાદ બેભાન હાલતમાં આ યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરો દ્વારા તેને મૃત જાહેર કરાયો હતો. જે બાદ યુવકના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. એક રિપોર્ટ અનુસાર, આ જ વિસ્તારમાં છેલ્લા 20 દિવસમાં તાવ, ઉલટી સહિતના રોગચાળામાં કુલ 8 લોકોના મૃત્યુ થયા છે. જેના કારણે આરોગ્ય વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
સુરતમાં ગત 3 ઓગસ્ટે પણ ઉલટી અને તાવને કારણે 2 યુવકોના મોત નિપજ્યા હતા. શહેરના ગોડાદરાના 19 વર્ષીય યુવકને મંગળવારે ઝાડા ઉલટી થયા હતા. બુધવારની સવારે તે બેહોશ થતા તેને હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો, હોસ્પિટલ ખાતે સારવાર મળે તે પહેલા જ યુવકનું મૃત્યુ નિપજ્યું હતું.
સુરત શહેરના ઉધનાના 39 વર્ષીય યુવકને અઠવાડિયા બાદ ફરી આવ્યો તાવ હતો. જે બાદ તેનું મૃત્યુ નિપજ્યું હતું. આપને જણાવી કે, શહેરમાં છેલ્લા 20 દિવસમાં 21 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. શહેરમાં રોગચાળાને કારણે થતા મૃત્યુથી લોકોની ચિંતામાં થયો વધારો છે.