રાજ્યસભામાં સોમવારે આખો દિવસ દિલ્હી સર્વિસ બિલ પર હોબાળો થયો હતો. ગુરુવારે લોકસભામાં પસાર થયા બાદ આ બિલ સોમવારે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું જેને રાજ્યસભામાં મતદાન બાદ મંજૂર કરવામાં આવ્યો હતો. આ બિલની તરફેણમાં 131 વોટ પડ્યા જ્યારે વિરુદ્ધમાં 102 વોટ પડ્યા. આ બિલ દિલ્હીમાં ગ્રુપ-A અધિકારીઓના ટ્રાન્સફર અને પોસ્ટિંગ માટે એક ઓથોરિટીની રચના માટે લાગુ વટહુકમનું સ્થાન લેશે.
ગઇકાલે રાજ્યસભામાં કેટલાક વિપક્ષી સાંસદોએ બિલ અંગેના સુધારા તરફ ધ્યાન દોર્યું હતું પણ આ બિલ મત દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. સાથે જ સંસદમાં દિલ્હી સર્વિસ બિલ પર ચર્ચા પૂરી થયા બાદ અમિત શાહે તેના પર જવાબ આપતા દિલ્હીમાં અધિકારીઓની બદલીના વિવાદ પર અરવિંદ કેજરીવાલ સરકારને ઘેરી હતી.
બિલ પાસ થયા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્ર સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે આ સત્તા કેન્દ્રને લોકોની સેવા કરવા માટે આપવામાં આવી છે. અમિત શાહ દિલ્હીમાં ઘરે-ઘરે પેમ્ફલેટ વહેંચી રહ્યા હતા, જ્યારે દિલ્હીની જનતાએ તેમને નકારી દીધા ત્યારે એમને દિલ્હીની જનતા પર અત્યાચાર શરૂ કર્યો.
AAPના સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે આ બિલ ‘રાજકીય છેતરપિંડી, બંધારણીય પાપ છે અને વહીવટી ગતિરોધ તરફ દોરી જશે. ભાજપ લગભગ 40 વર્ષથી દિલ્હીને રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી રહ્યું છે. ભાજપે દિલ્હીને સંપૂર્ણ રાજ્ય બનાવવા માટે અટલ બિહારી વાજપેયી અને લાલ કૃષ્ણ અડવાણી જેવા નેતાઓની 40 વર્ષની મહેનત વેડફી નાખી છે.
તમામ મુખ્ય વિરોધ પક્ષો – તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, જનતા દળ યુનાઇટેડ, કોંગ્રેસ, ભારત રાષ્ટ્રીય સમિતિ (BRS), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને અન્યોએ વટહુકમ સામેની લડાઈમાં આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું છે.
મે મહિનામાં કેન્દ્ર સરકારે નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (સુધારા) વટહુકમ, 2023ની સરકાર બહાર પાડી, જે દિલ્હી સરકારને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ પ્રશાસનમાં ‘સેવાઓ’નું નિયંત્રણ આપનાર સુપ્રીમ કોર્ટના ચુકાદાને અસર કરશે નહીં. . આ બિલ દિલ્હી સરકારમાં વરિષ્ઠ અધિકારીઓની બદલી અને પોસ્ટિંગના સંબંધમાં બહાર પાડવામાં આવેલા વટહુકમનું સ્થાન લેશે.
રાષ્ટ્રપતિની સંમતિ મળ્યા બાદ આ બિલ કાયદો બનશે. જો કે બિલમાં કલમ 3A હટાવી દેવામાં આવી છે. જે દર્શાવતું હતું કે દિલ્હી એસેમ્બલીનું સેવા પર કોઈ નિયંત્રણ નથી. આ વિભાગ લેફ્ટનન્ટ ગવર્નરને વધુ સત્તા આપતો હતો.