અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જાયા બાદ શહેરમાં પોલીસ ટ્રાફિક ડ્રાઈવ અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. છતાં બેફામ વાહન હંકારનારાઓ પર જાણે કે હજુ પણ નિયંત્રણ આવી રહ્યું નથી. કોઈ જ ડર કાયદાનો ના રહ્યો હોય એમ વાહનચાલકો બેફામ-પૂરઝડપે વાહન ચલાવતા અકસ્માત સર્જી રહ્યા છે. ત્યારે ફરી અમદાવાદ શહેરમાંથી અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં મર્સિડીઝ કારચાલકે બાઈકને ટક્કર મારતા બાઈક સવાર પતિ-પત્નીમાંથી પતિને ઈજા પહોંચી છે. હાલ પોલીસે કાર કબ્જે લઈને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ દ્વારા ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ બાઈક ચાલકને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. હાલ એન-ડિવિઝન પોલીસે અકસ્માત સર્જનાર કાર કબ્જે લઈને વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે ફરાર કારચાલકની શોધખોળ હાથ ધરી છે.
અમદાવાદના નિકોલમાં બોલેરો પિકઅપ ચાલકે અકસ્માત સર્જ્યો હતો. સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા સમગ્ર ઘટના સર્જાઈ હતી. જોકે, અકસ્માતના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. જેમાં રોડ પર ઉભેલા 2 વાહનચાલકનો આબાદ બચાવ થયો હતો અને રિક્ષાચાલક યુવક ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માત કરી પિકઅપ ચાલક ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈ આઈ-ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.