Satya Tv News

જૂનાગઢમાં પોલીસ ટ્રેનિંગ કોલેજની વાનના ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા બ્રિજેશ લાવડિયાનો મૃતદેહ ગત માર્ચ મહિનામાં વંથલીના શાહપુર ગામ પાસા ઝાડ સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. એ સમયે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. બ્રિજેશ લાવડિયાના શરીર પર ઈજાના નિશાન હોવાથી પરિવારે ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગણી કરી હતી. જોકે, પોલીસે બ્રિજેશ લાવડિયાએ 23 માર્ચના રોજ આત્મહત્યા કરી હોવાનું જણાવી પોલીસે કેસ ફાઈલ બંધ કરી દીધી હતી. પરંતુ સાચું કારણ શું છે તે જાણવાની તસદી લીધી નહોતી.

જે બાદ મૃતકના પુત્ર રિતેશ લાવડિયાએ ન્યાય માટે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. રિતેશ દ્વારા હાઈકોર્ટમાં કરાયેલી અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યા હતા કે, 19-20 માર્ચની રાત્રે બ્રિજેશ લાવડિયાએ પોલીસ ટ્રેનિંગ કોલેજમાં એક મહિલા તાલીમાર્થીને કથિત રીતે તેના મોબાઈલમાં પોર્ન જોતી પકડી હતી અને ઠપકો આપ્યો હતો. જે બાદ બ્રિજેશ લાવડિયાએ આ અંગે ઉપલા અધિકારીને ફરિયાદ કરવા જણાવ્યું હતું. બ્રિજશ લાવડિયા ફરિયાદ કરે તે પહેલા જ મહિલા તાલીમાર્થીએ DySP ખુશ્બુ કાપડિયા પાસે પહોંચી ગઈ હતી અને બ્રિજેશ લાવડિયા સામે ખોટા આક્ષેપો લગાવ્યા હતા.

બીજા દિવસે DySP ખુશ્બુ કાપડિયા બ્રિજેશ લાવડિયાને બોલાવ્યા હતા અને અપમાન કર્યું હતું. એટલું જ નહીં જ્યારે બ્રિજેશ લાવડિયાએ આ મુદ્દે સવાલો ઉઠાવ્યા તો DySP ખુશ્બુ કાપડિયા અને PSI ખાચર તેમને લાકડીથી માર માર્યો હતો. આવા ખોટા આક્ષેપો થયા બાદ બ્રિજેશ લાવડિયાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. જે બાદે તેમણે ઓફિસમાં જે બન્યું તે પુત્રને ફોનમાં જણાવ્યું હતું અને બાદમાં તેમનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો.

મૃતકના પુત્ર રિતેશ લાવડિયાએ હાઈકોર્ટમાં મારપીટ કર્યાના ફોટાઓ પણ રજૂ કર્યા હતા. જે બાદ અધિકારીઓની બેદરકારીના કારણે બનેલી ઘટનાની કોર્ટે ગંભીર નોંધ લીધી હતી. IPS રવિ તેજાને તાત્કાલિક હાજર થવા નોટિંસ મોકલી હતી. સાથે જ ઘટનાના 5 મહિના બાદ પણ ફરિયાદ ન નોંધાતા કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. જે બાદ હાઈકોર્ટે શુક્રવારે તત્કાલિન SP રવિ તેજા અને PI વાઢેરને ફટકાર લગાવી સાંજ સુધી ફરિયાદ નોંધવા જણાવ્યું હતું. એટલું જ નહીં સમગ્ર કેસની વિગતો ગૃહસચિવને આપવાનો પણ હુકમ કર્યો હતો.

હાઇકોર્ટની ફટકાર બાદ ઘટનાના 140 દિવસ બાદ વંથલી પોલીસ સ્ટેશનમાં DySP ખુશ્બુ કાપડિયા અને વી.એમ.ખાચર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢ રેન્જ IGએ સમગ્ર તપાસ પોરબંદરના DySP નિલમ ગૌસ્વામીને સોંપી છે.

error: