Satya Tv News

મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ઉત્તર પ્રદેશના મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને ઇદગાહ મસ્જિદ નજીક રેલવેની જમીન પર કથિત ગેરકાયદે વસાહતો પર બુલડોઝરની કાર્યવાહીને પડકારતી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણી દરમિયાન શ્રી કૃષ્ણ જન્મભૂમિ નજીક બુલડોઝરની કાર્યવાહી પર 10 દિવસ માટે રોક લગાવી દીધી છે. એટલું જ નહીં આ અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને રેલવેને નોટિસ પાઠવી છે. હવે આ મામલે એક સપ્તાહ બાદ સુનાવણી થશે.

અરજદારે દાવો કર્યો હતો કે, લોકો તે જમીન પર રહે છે જ્યાંથી રેલ્વે 100 વર્ષથી વધુ સમયથી અતિક્રમણ હટાવી રહી છે. જેના આધારે કાર્યવાહી અટકાવવા માંગ કરવામાં આવી હતી. અરજદારે કોર્ટને કહ્યું કે, રેલવે દ્વારા પહેલાથી જ ઘણા બધા અતિક્રમણ દૂર કરવામાં આવ્યા છે. હવે માત્ર 70-80 મકાનો જ બચ્યા છે તેમના તોડવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. સર્વોચ્ચ અદાલતે તાત્કાલિક અસરથી કાર્યવાહી પર રોક લગાવી દીધી અને રેલવેને જવાબ આપવા કહ્યું. જોકે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં રેલવે વતી કોઈ હાજર રહ્યું ન હતું.

રેલ્વેએ મથુરા-વૃંદાવન રેલ્વે લાઇનની બાજુમાં રેલ્વેની જમીન પર કથિત રીતે રહેતા લોકોને જમીન ખાલી કરવા કહ્યું હતું. અરજદાર વતી સર્વોચ્ચ અદાલતમાં હાજર રહેલા વરિષ્ઠ વકીલ પ્રશાંતો સેને કોર્ટને જણાવ્યું હતું કે, આ કાર્યવાહીમાં 200 મકાનો તોડવાના છે અને 3000 લોકો તેનાથી પ્રભાવિત થશે. તેમની પાસે રહેવા માટે બીજી કોઈ જગ્યા નથી અને તેઓ 100 વર્ષથી વધુ સમયથી અહીં રહે છે. આ મામલો અલ્હાબાદ હાઈકોર્ટમાં ચાલી રહ્યો હતો, પરંતુ હડતાલને કારણે સોમવારે સુનાવણી થઈ શકી ન હતી. આ મામલે અરજીકર્તાઓ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા.

error: