Satya Tv News

અમદાવાદના નરોડાનો રહેવાસી કુશ પટેલ નામનો યુવક 9 મહિના પહેલા જ સ્ટુ઼ડન્ટ વિઝા પર લંડન ગયો હતો. લંડન ગયા બાદ કુશ દરરોજ નિયમિત પરિવારજનો સાથે ફોન પર વાતચીત કરતો હતો, 11મી ઓગસ્ટ બાદ તેનો ફોન ન આવતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. પરિવારજનોએ 2 દિવસ રાહ જોયા બાદ લંડન રહેતા કુશના મિત્રોને જાણ કરી હતી. જેથી આ મિત્રો કુશના ઘરે ગયા હતા. જોકે, ત્યાં કુશ મળી આવ્યો નહતો.

જે બાદ તેઓએ કુશની શોધખોળ હાથ ધરી હતી. તેઓએ અનેક જગ્યા શોધવા છતાં કોઈ ભાળ મળી નહતી. જેથી તેઓએ વેમ્બલી પોલીસમાં કુશના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસ ફરિયાદના આધારે તેની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, તો લોકેશનના આધારે પણ શોધખોળ હાથ ધરી હતી. જેમાં તેનું લાસ્ટ લોકેશન લંડન બ્રિજ પાસે મળ્યું હતું. જ્યાં જઈને તપાસ કરતા પોલીસને કુશ મળ્યો નહોતો.

જે બાદ 19મી ઓગસ્ટની રાત્રે લંડન બ્રિજના એક છેડેથી એક મૃતદેહ મળી આવ્યો હતો, પરંતુ મૃતદેહ અને ચહેરાનો ભાગ સાવ સડી ગયેલો હોવાથી પોલીસ પણ તેની ઓળખ કરવામાં મુશ્કેલીમાં મુકાઈ હતી. જે બાદ પોલીસે કુશ ડીએનએ અને બાયોમેટ્રિક મેળવ્યા હતા. જે મૃતદેહ સાથે મેચ થઈ ગયા હતા. જે બાદ પોલીસે આ મૃતદેહ કુશ પટેલનો જ હોવાની પુષ્ટિ કરી હતી.

પોલીસ દ્વારા આ અંગેની જાણ કુશના મિત્રોને તથા કુશના પરિવારજનોને કરવામાં આવતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોલીસે આપઘાત કરવા પાછળનું કારણ જાણવા તપાસ કરી તો પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે યુવકે આર્થિક સંકડામણના કારણે લંડન બ્રિજ પરથી ઝંપલાવીને આપઘાત કર્યો છે. યુવકની આત્મહત્યાને કારણે પરિવારમાં માતમ છવાયો છે.

error: