ગુજરાત રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં મોનસુન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. 30 તારીખ સુધી ચાલનારા મોનસુન ફેસ્ટિવલનો આરંભ પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કરાવ્યો હતો. દમણના જાણીતા દેવકાના દરિયા કિનારે નમો પથ પર મોનસુન ફેસ્ટિવલના આરંભ પ્રસંગે પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સહિત પ્રદેશના રાજકીય અને સામાજિક અગ્રણીઓ સાથે પ્રદેશના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. મોનસુન ફેસ્ટિવલ નિમિતે દરિયા કિનારે અનેક રંગારંગ કાર્યક્રમ અને કલ્ચરલ પરેડ પણ યોજાઇ હતી.
દમણનો દરિયો દેશભરમાં જાણીતો છે. દેશના ખૂણે ખૂણેથી પર્યટકો દમણની મુલાકાત લે છે. જોકે ચોમાસાના માહોલમાં દમણમાં પર્યટકોની સંખ્યા ઓછી થાય છે. આથી હોટેલ ઉદ્યોગ સાથે અન્ય દુકાનદારોને પણ તેની અસર થાય છે. જોકે હવે પ્રદેશમાં ચોમાસાના માહોલમાં દરિયા કિનારે મોનસુન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.સાથે જ દરિયા કિનારે સાંસ્કૃતિક પરેડ પણ યોજાઇ હતી. જેમાં દેશની વિવિધ સાંસ્કૃતિક નૃત્યની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. દરિયા કિનારા અને હોટેલોને પણ રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવી હતી.