મૈસુરુમાં રવિવારે બપોરે એક પરિવારના ચાર સભ્યો તેમના ભાડાના મકાનમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પરિવારના ચાર સભ્યોએ પરસ્પર સંમતિથી આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસ માની રહી છે. મૃતકોમાં મહાદેવસ્વામી , તેમની પત્ની અનિતા , પુત્રીઓ ચંદ્રકલા અને ધનલક્ષ્મી ચામુંડીપુરમમાં તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. મહાદેવસ્વામીની મૈસૂરના બાંદીપાલયમાં શાકભાજીની દુકાન હતી.
મૃતકના ઘરનો દરવાજો બે દિવસથી બંધ હોવાનું માલૂમ પડતાં રહીશોને શંકા પડી હતી કે નક્કી કંઈક ખોટું છે, આથી તેમણે સમય ગુમાવ્યાં વગર તાબડતોબ પોલીસને જાણ કરી. રહીશોની ફરીયાદને ગંભીર માનીને પોલીસે પણ તત્કાળ કાર્યવાહી કરીને અને જણાવેલા ઘેર દોડી ગઈ, આગળનો દરવાજો અંદરથી બંધ હોવાથી પોલીસ પાછળનો દરવાજો તોડીને અંદર ઘુસી ગઈ અને રુમમાં નજર નાખતાં તેમને છાતી બેસી જાય તેવો આંચકો લાગ્યો હતો. ચારમાંથી મોટી દીકરી ચંદ્રકલા પંખે લટકતી હતી જ્યારે બાકીના 3 સભ્યો ફ્લોર પર મરેલી હાલતાં પડ્યાં હતા. મૃતક પરિવાર ભોંયતળિયે ભાડુઆત તરીકે રહેતો હતો જ્યારે મકાન માલિક પહેલા માળે રહે છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે હાલમાં તપાસ ચાલી રહી છે, આમાં પરિવારે ભેગા મળીને રાજીખુશીથી જીવન સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો હોવાનું લાગી રહ્યું છે. કદાચ દેવું થઈ ગયું હોય કે બીજું ગમે કારણ હોય તે તપાસમા બહાર આવશે. પોલીસ તપાસમાં લાગી છે પરંતુ આ કિસ્સાએ ખૂબ ચકચાર મચાવી છે. લોકો જાતજાતની કલ્પના કરવા લાગ્યાં છે.