ભાઈ-બહેનના પવિત્ર પ્રેમને લઈને આવનારો રક્ષાબંધનનો તહેવાર આ વખતે તા. ૩૦ ઓગસ્ટે ઊજવાશે. બેન્કો દ્વારા પણ તે દિવસે જાહેર રજા રખાઈ છે. રક્ષાબંધનના આ તહેવાર નિમિત્તે AMTSના સત્તાવાળાઓ દ્વારા મહિલા પેસેન્જર્સ માટે ખાસ ખુશખબરી અપાશે. આ પવિત્ર તહેવારને ઊજવવા માટે પોતાના લાડકા વીરાને રક્ષાસૂત્ર બાંધવા જનારી બહેનો આખો દિવસ AMTSમાં ફ્રી મુસાફરી કરી શકશે. AMTSના ભાજપના શાસકો સતત બીજા વર્ષે મહિલા પેસેન્જર્સને રક્ષાબંધને ફ્રી મુસાફરીનો લહાવો આપવાના છે. AMTS બસ સેવા શહેરના ખૂણેખાંચરે પેસેન્જર્સને ઉપલબ્ધ છે. હવે તો શહેરની આજુબાજુનાં ગામો જેવાં કે, દેવડી, વિવેકાનંદનગર, વિનોબાભાવેનગર, રજોડા પાટિયા, બારેજા આંખની હોસ્પિટલ, આરોહી હોમ્સ, રાંચરડા, શીલજ, બોપલ, લીલાપુર, જાસપુર, કુંજાડ, વાંચ, ગતરાડ, ચોસર, મોટી ભોયણી ચોકડી, ડભોડા, લપકામણ, પાલડી-કાંકજ, શેરથા, નાંદેજ-બારેજડી, ખાત્રજ ચોકડી, ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ, વિશાલા ટાઉનશિપ, ત્રિમંદિર, કાસિન્દ્રાના પેસેન્જર્સને પણ AMTSનો લાભ મળી રહ્યો હોઈ રોજના 4.27 લાખથી વધુ પેસેન્જર્સ મુસાફરી કરે છે.