રક્ષાબંધનનો પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ સમયે એેક બહેને ભાઈને કિડની આપીને સાચા અર્થમાં ભાઈની લાંબા આયુષ્યની મનોકામના કરી છે. રાજકોટના વાસાવડ ખાતે રહેતા 32 વર્ષના ભરતભાઈ મકવાણાની બંને કિડની ફેઈલ થઈ જતાં બહેન મદદ માટે આગળ આવી હતી અને કંઈ પણ વિચાર્યા વગર તેણે પોતાના ભાઈને નવું જીવન આપવાનું નક્કી કરી લીધું અને રક્ષાબંધન પહેલા જ બહેને ભાઈની રક્ષા કરી સાચા અર્થમાં રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આજે તેનો ભાઈ એકદમ સ્વસ્થ છે અને વસાવાડ ખાતે ખેતી કરીને પગભર બન્યો છે.
ભરતભાઈ મકવાણાએ જણાવ્યું કે, ‘જ્યારે મારૂ બીપી 290 થઈ ગયું ત્યારે મેં ડોક્ટરને બતાવ્યું હતું. ત્યારે ડોકટરે કહ્યું કે તમારી 70 ટકા કિડની ફેઈલ થઈ ગઈ છે. જે બાદ દવા લીધી એટલે થોડું સારૂ હતું, પણ કોરોના થતાં મારી બંને કિડની સંપૂર્ણ ફેઈલ થઈ ગઈ હતી. જેથી મને બી.ટી.સવાણી હોસ્પિટલના ડોક્ટરે ડાયાલીસીસ કરાવવાની સલાહ આપી હતી.”જે બાદ હું સમયસર ડાયાલીસીસ કરાવતો હતો. આ વાતની જાણ મારી બહેનને થતાં તેણે નક્કી કરી લીધું હતું કે હું મારા ભાઈને ગમે તેમ કરીને પહેલાની જેમ જ કરી દઈશ. પછી મારી બહેને મને કિડની દાનમાં આપી અને આજે મારી બહેન થકી મને નવું જીવન મળ્યું છે. હું મારી બહેનનો ખુબ જ આભાર માનુ છું. હું મારી બહેનનો જીવનભર ઋણી રહીશ અને તેને જે પણ જરૂર હશે તે હું પુરી કરીશ.
આજે બહેનના આ કાર્યની સૌ કોઈ સરાહના કરી રહ્યું છે. ભરતભાઈના પરિવારજનો બહેનની સાથે સાથે તેના બહેનના સાસરીયાઓનો પણ ખુબ આભાર માની રહ્યાં છે. આજે આ બહેને સાચા અર્થમાં ભાઈની રક્ષા કરવા માટે ભાઈને કિડનું દાન આપીને સૌનું દિલ જીતી લીધું છે.