ધર્મના ઠેકેદારો કહેવાતા લોકોએ બે પ્રેમ કરનાર સાથે જાહેરમાં અશોભનીય વર્તન કર્યું અને તેમને માર માર્યો. ભીડ બુરખા પહેરેલી યુવતીનો ઢાંકેલો ચહેરો વારંવાર ખોલી રહી છે. યુવતીએ ચહેરો ઢાંકવાનો પ્રયત્ન કર્યો તો એક વ્યક્તિએ કહ્યું કે, તેના બાપને ફોન લગાડો. બીજાએ હિંદુ છોકરાને થપ્પડ મારવાનું શરૂ કર્યું હતું. બીજા ઘણા લોકો પણ યુવકને થપ્પડ મારતા અને ગાળો આપતા જોવા મળે છે. ટોળાએ યુવકને ધમકી આપતા કહ્યું હતું કે, મુસ્લિમ યુવતી સાથે ફરવા જવાની તારી હિંમત કેવી રીતે થઈ. આ ઘટના બાદ અમદાવાદ પોલીસે આરોપીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. અત્યાર સુધીમાં અકબર પઠાણ, ફૈઝાન શેખ અને હુસૈન સૈયદ નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.
સોશિયલ મીડિયામાં યુવતી-યવીતીની મારઝૂડનો વીડિયો વાયરલ થતા લોકો ભડક્યાં હતા. લોકોએ ટોળાની આવી માનસિકતાને તાલિબાની ગણાવી છે અને કહ્યું કે પ્રેમ તો ગમે તેની સાથે થાય. શું એક ધર્મ સમુદાયનો વ્યક્તિ બીજા ધર્મની છોકરીને પ્રેમ ન કરી શકે. પ્રેમ કંઈ બંધાયેલો નથી. લોકોએ આ ઘટનાને આકરા શબ્દોમાં વખોડી કાઢી હતી.