મેઘરાજાના દર્શન માટે લાગી લાંબી લાઈનો
મેઘરાજાને બાળકો ભેટાવવાનો અનેરો મહિમા
છડી,મેઘરાજાના મેળામાં ભક્તોનો અનોખો ઉત્સાહ
ભરૂચમાં 250 વર્ષ કરતા વધુ વર્ષોથી ઉજવાતા અને ભરુચની સાંકૃતિક ઓળખ સમા છડી મેઘરાજાના ધાર્મિક લોકમેળામાં ગોકુળ અષ્ટમીના દિને ભારે માનવ મેદની ઉમટી હતી.
દેશમાં એકમાત્ર ભરૂચ શહેરમાં છપ્પનીયા દુકાળ પહેલાના સમયથી ઉજવાતા મેઘરાજા અને છડીનો મેળો મહાલવા તેમજ દર્શન માટે રાજયભરમાંથી શ્રદ્ધાળુઓ ગોકુળ અષ્ટમીના દિને ઉમટતા ભારે ભીડ જોવા મળી રહી હતી.ભરૂચમાં વસતા ભોઇ સમાજ દ્વારા ઉજવાતા તેમના પરંપરાગત તહેવાર મેઘરાજા ઉત્સવની ઉજવણીનો પ્રારંભ થયાના બીજા દિવસે ગોકુળ અષ્ટમી હોય લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.છડી મેઘરાજાના ઉત્સવને લઈ ને સોનેરી મહેલથી ભોઇવાડ સુધીના સમગ્ર વિસ્તારમાં વિવિધ ખાણી પીણી તેમજ રમકડાં ,ગૃહ ઉપયોગી વસ્તુઓના સ્ટોલ ઉભા કરાયા છે.તો ભોઈવાડનાં ઘોઘારાવ મંદિરે છડી ઝુલાવવા સહિતના પરંપરાગત ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરાયા છે.જેમાં દર્શન પૂજન અર્થે પણ મોટી સંખ્યામા લોકો ઉમટી રહ્યા છે.મેઘરાજાના દર્શન માટે લાંબી લાઈનો જોવા મળી રહી હતી.તો બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે મેઘરાજાને બાળકોને ભેટાવવાની પણ માન્યતા હોય શ્રદ્ધાળુઓ બાળકો સાથે ઉમટી રહ્યા હતા.જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ધસારો જોવા મળી રહ્યો હતો.ભરૃચના ભોઈ સમાજ સહિત સમગ્ર શહેરના પ્રજાજનો માટે મેઘરાજા અને છડીનો ઉત્સવ પોતીકો હોય દિવાળી જેવો માહોલ ભરૂચમાં જોવા મળી રહ્યો હતો.
વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ