Satya Tv News

એસીપી એસ.જી.પટેલના જણાવ્યા અનુસાર ઝોન સાતના ડીસીપી તરુણ દુગ્ગલની લોકલ ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ એ.એસ.આઈ રામાણીને બાતમી મળી હતી કે વાસણાના રાજ્ય કોમ્પ્લેક્સની આગળ વિજય સેલ્સના રોડ ઉપર એક યુવક ઊભો છે. જેની પાસે એક પિસ્તોલ અને કારતૂસ છે. બાતમીના આધારે એલસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને યુવકને કોર્ડન કરીને તેની અંગ ઝડતી કરી હતી. યુવક પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ અને ત્રણ જીવતા કારતૂસ મળી આવ્યાં હતાં. યુવકનું નામ શાહનવાઝ શેખ છે અને તે વટવાનો રહેવાસી છે. શાહનવાઝની આગવી સ્ટાઇલથી પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે વટવામાં આવેલા અલિફનગરમાં રહેતી ફરજાનાબાનુનાં મકાનમાં ભાડેથી રહેતો સમીર રશીદખાન પઠાણ પાસેથી તે હથિયાર તેણે ખરીદ કર્યાં હતાં. એલસીબીએ સમીર પઠાણની ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં તેણે છેલ્લા એક વર્ષમાં 10થી વધુ હથિયાર મધ્યપ્રદેશથી લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. સમીરની પૂછપરછ દરમિયાન તેણે કબુલાત કરી હતી કે તે મધ્યપ્રદેશથી હથિયાર લાવીને 20થી 25 હજારમાં વેચી રહ્યો છે. પોલીસે હથિયાર ખરીદનારનું નામ લઇને તમામનાં ઘરે જઇને ચેકિંગ કર્યું હતું.

પોલીસ પહેલાં જમાલપુર ફરાન ખાન પઠાણના ઘરે ગઇ હતી જ્યાં પાંચ હથિયાર અને કારતૂસ મળી આવ્યાં હતાં. ત્યાર બાદ ફરાહ ખાન, ઉઝેરખાન પઠાણ, ઝૈદખાન પઠાણ અને શાહરુખખાન નામના યુવક પાસેથી હથિયાર કારતૂસ મળી આવ્યાં હતાં સમીર મધ્યપ્રદેશના આફતાબ નામના યુવક પાસેથી હથિયાર લાવતો હતો. પોલીસે નવ પિસ્તોલ, એક રિવોલ્વર, 61 જીવતા કારતૂસ અને ત્રણ કારતૂસ કબજે કર્યાં છે. આ તમામ હથિયાર બસ મારફતે ખાણીપીણીની ચીજવસ્તુઓમાં લાવતાં એવી હકીકત પોલીસને જાણવા મળી છે. એસીપીએ વધુમાં જણાવ્યું છે કે હથિયાર લૂંટના ઇરાદે અને દહેશત ફેલાવવા માટે લાવ્યા હોવાનું સામે આવી રહ્યું છે. આફતાબની ધરપકડ બાદ તેણે અમદાવાદમાં કેટલા લોકોને હથિયાર વેચ્યાં છે તેનો પર્દાફાશ થશે.

પોલીસે રેડ કરી ત્યારે મોટા ભાગના હથિયાર આરોપીના ઘરે માળિયામાંથી મળી આવ્યાં છે. આરોપીએ માળિયામાં હથિયાર છુપાવી લીધા બાદ જરૂર પડે ત્યારે ઉતારવાનો પ્લાન હતો જેના પર પોલીસે પાણી ફેરવી દીધું છે.

error: