રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં બુધવારે સવારે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે.મુસાફરોથી ભરેલી બસ ગુજરાતથી મથુરા તરફ જઈ રહી હતી. રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં જયપુર-આગ્રા હાઈવે પર આવેલા હંતારા પુલ પર બસ ખરાબ થઈ ગઈ હતી. જેથી બસના ડ્રાઈવરે બસને સાઈડમાં ઉભી રાખી હતી અને બસનું રિપેરિંગ કામ શરૂ કર્યુ હતું. આ દરમિયાન ફૂલ સ્પીડમાં આવેલી ટ્રકે બસને ધડાકાભેર ટક્કર મારી હતી.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બસમાં સવાર 11 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યાં હતા. આ અકસ્માતની અંગેની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસનું કહેવું છે કે આ અકસ્માતમાં 11 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ અકસ્માત પર સીએમ ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું, ટ્વિટ કરીને લખ્યું છે કે, ‘રાજસ્થાનના ભરતપુર નજીક થયેલ માર્ગ અકસ્માતની ઘટના ખૂબ આઘાતજનક છે. અકસ્માતમાં ગુજરાતના યાત્રિકોએ જીવ ગુમાવ્યો છે. સૌ મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્ત યાત્રિકો જલ્દીથી સાજા થાય તેવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું.’