ગઈકાલે એટલે શ્રાવણ મહિનાની અમાસના રોજ ઠાસરામાં નાગેશ્વર મહાદેવજીની વાજતેગાજતે શોભાયાત્રા નીકળી હતી. ડીજેના તાલ સાથે નીકળેલી શોભાયાત્રા બપોરના સમયે જૂના બસ સ્ટેન્ડ પાસે પહોંચી હતી. ત્યારે એકાએક શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. શિવજીની શોભાયાત્રા પર પથ્થરમારો થતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ પથ્થરમારાના બનાવમાં બે પોલીસ કેન્સ્ટેબલ અને એક પીએસઆઈને ઈજાઓ પહોંચી હતી. તો બે વાહનોને પણ નુકસાન થયું હતું.
આ અંગે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે, શોભાયાત્રામાં અંદાજીત 700થી 800 લોકો હતા. જેમાં લોકલ પોલીસ સાથે ડિવિઝન પોલીસનો બંદોબસ્ત પણ હતો. આ શોભાયાત્રા ઠાસરા નગરના તીનબત્તી વિસ્તાર પાસે આવતા ત્યાં અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આથી ભારે અવ્યવસ્થા સર્જાઇ હતી. હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે.જે બાદ પોલીસે ઠાસરા શહેરના વિવિધ વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કરી પથ્થરમારો કરનારાઓની શોધખોળ આદરી હતી. પોલીસે મોડીરાતે 6 પથ્થરબાજની ધરપકડ હતી. જ્યારે 10 જેટલા શકમંદોની અટકાયત હતી.