Satya Tv News

મહાદેવ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકર મૂળ ભિલાઈ છત્તીસગઢના રહેવાસી અને તેમના ભાગીદાર રવિ ઉપ્પલ છે. બંને દુબઈમાં તેમના હેડક્વાર્ટરથી વ્યવસ્થિત રીતે સટ્ટાબાજીની સિન્ડિકેટ ચલાવે છે. ચંદ્રાકરે આ વર્ષે ફેબ્રુઆરીમાં UAEના છઠ્ઠા સૌથી મોટા શહેર RAKમાં લગ્ન કર્યા હતા. આ માટે તેણે પોતાના વેડિંગ પ્લાનરને 120 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. લગ્નમાં પરફોર્મ કરવા માટે નાગપુરથી પરિવારના સભ્યોને લાવવા અને બોલીવુડની હસ્તીઓને લાવવા માટે ખાનગી જેટ ભાડે લેવામાં આવ્યા હતા. EDએ કહ્યું છે કે, હવાલા દ્વારા તમામ ચૂકવણી રોકડમાં કરવામાં આવી હતી.જપ્ત કરવામાં આવેલા ડિજિટલ પુરાવા મુજબ યોગેશ પોપટની આર-1 ઇવેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને હવાલા દ્વારા 112 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. રોકડમાં ચૂકવણી કરીને 42 કરોડ રૂપિયાની હોટેલ બુકિંગ કરવામાં આવી હતી.

માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રાકરના લગ્નમાં સન્ની લિયોન, નેહા કક્કર, ભારતી સિંહ, ભાગ્યશ્રી, કીર્તિ ખાબંદા, નુસરત ભરૂચા, રાહત ફતેહ અલી ખાન, વિશાલ દદલાની, આતિફ અસલમ, અલી અસગર, એલી અવરામ, ટાઇગર શ્રોફ, કૃષ્ણા અભિષેક અને પુલકિત સ્ટેજ પરફોર્મન્સ માટે બોલાવવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ સૌરભે આ તમામ ફિલ્મ સ્ટાર્સને મોટી રકમ આપી હતી.

EDએ મહાદેવ એપ સટ્ટાબાજીની સિન્ડિકેટ વિરુદ્ધ રાયપુર, ભોપાલ, કોલકાતા અને મુંબઈમાં 39 સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું. જેમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના રાજકીય સલાહકારનું પરિસર પણ સામેલ છે. ભૂપેશ બઘેલના રાજકીય સહયોગીઓ પર આરોપ છે કે, તેઓ આરોપીઓને રક્ષણ આપવા માટે મોટી લાંચ લેતા હતા. આ કેસમાં તપાસ એજન્સીએ ઓછામાં ઓછા 15 લોકોની ધરપકડ કરી છે.

‘મહાદેવ બુક’ ઓનલાઈન સટ્ટાબાજીની એપ એ ઓનલાઈન સટ્ટાબાજી માટેનું વિવાદાસ્પદ નામ છે. તેના કથિત મની લોન્ડરિંગ કેસમાં તપાસ ચાલી રહી છે. અત્યાર સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આ કેસમાં સર્ચ ઓપરેશન દરમિયાન 417 કરોડ રૂપિયાની રોકડ અને સંપત્તિ જપ્ત કરી છે. EDએ ઘણા વધુ ખુલાસા કર્યા છે. તેમના કહેવા પ્રમાણે ‘મહાદેવ બુક’ના બે પ્રમોટર્સ સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલે સંયુક્ત આરબ અમીરાત (UAE)માં પોતાનું એક સામ્રાજ્ય બનાવ્યું છે. બંને યુએઈના દુબઈથી ઓપરેટ કરે છે . તેના પ્રમોટરોમાંના એક સૌરભ ચંદ્રકરે આ વર્ષે UAEમાં લગ્ન કર્યા છે. એવા આલીશાન લગ્ન કે જેમાં 200 કરોડ રૂપિયા ખર્ચાયા.

સૌરભ ચંદ્રાકર પાસે અગાઉ છત્તીસગઢના ભિલાઈમાં મહાદેવ જ્યુસ સેન્ટરના નામથી નાની જ્યુસની દુકાન હતી. તે કેટલીક ઓનલાઈન સટ્ટાબાજીની એપ પર સટ્ટો લગાવતો હતો. જેમાં 10 થી 15 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. સૌરભ ચંદ્રાકરનો મિત્ર રવિ ઉપ્પલ પણ સટ્ટામાં લગભગ 10 લાખ રૂપિયા હારી ગયો હતો. પૈસા પડાવવા માટે સટ્ટાબાજીની સિન્ડિકેટના દબાણ હેઠળ ચંદ્રાકર અને ઉપ્પલ બંને ભિલાઈથી દુબઈ ભાગી ગયા હતા. બંનેએ દુબઈમાં નાની-મોટી નોકરી કરી હતી. પછી કોઈક રીતે તેણે મહાદેવ બુક એપ નામની સટ્ટાબાજીની એપ લોન્ચ કરવા માટે પૈસા ભેગા કર્યા. તેની શરૂઆતથી મહાદેવ ઓનલાઈન બુક સટ્ટાબાજી માટે ઓનલાઈન પ્લેટફોર્મ પૂરું પાડે છે. રિપોર્ટ અનુસાર ભારતમાં તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે પરંતુ તે અન્ય દેશોમાં ચાલી રહી છે.

error: