આજે સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યાસુધીમાં રાજ્યના 149 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 49 તાલુકામાં એક ઈંચથી સાડા છ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. પંચમહાલના શેહરા તાલુકામાં સૌથી વધુ સાડા છ ઈંચ, મહિસાગરના વિરપૂરમાં પાંચ ઈંચ, તેમજ ગોધરામાં સાડા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેથી ગઠામણ પાટીયા સાઈબાબા મંદિર સહિત હાઇવે વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તેમજ ગઠામણ પાટીયા પાસેની દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા. પાલનપુર-ગઠામણ ગામને જોડતા માર્ગ પર પાણી ભરાવાથી અનેક વાહનચાલકોને હાલાકી પડી હતી.
ભુજ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં હળવી વર્ષા થતા માર્ગો ભીંજાયા છે. ભાદરવાના ભૂસાંકા રૂપી પડેલા છૂટા છવાયા વરસાદથી વધુ વરસાદની આશ લોકોમાં પ્રબળ બની રહી છે. આજે બપોરના 12 વાગ્યા બાદ ભુજ તાલુકાનાં કાળી તલાવડી, ચપ્રેડી, શેખાપિર સહિતના વિસ્તારોમાં સામાન્ય ઝાપટા વરસતા માર્ગો પર પાણી વહ્યા હતા. ભાદરવા માસના પડી રહેલા સખત તાપ અને ઉકળાટ વચ્ચે આજે પડેલા વિવિધ વિસ્તારમાં હળવા વરસાદથી વરસાદ સ્થળે ગરમીમાં આંશિક રાહત મળી હોવાનું જાણવા મળ્યું છે.
છેલ્લા 24 કલાકથી એકધારા પડી રહેલા વરસાદનાં પગલે ગોધરા શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, અને ઠેર ઠેર પાણી ભરાયાની બૂમો ઉઠવા પામી છે. જ્યારે ગોધરા શહેરના મધ્યમાં આવેલ મેશરી નદી બંને કાંઠે વહેતા આજુબાજુ કીનારાઓમાં રહેતા લોકોના મકાનો પાણીમાં તરબોળ થયા હતા. બીજી બાજુ મેશરી નદીના પટમાં પાણીનો પ્રવાહ ધીમે ધીમે વધતો જઈ રહ્યો છે. ત્યારે ગમે ત્યારે નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો ગરકાવ થયા તેવી પૂરેપૂરી શક્યતા જોવાઇ રહી છે. ત્યારે લાગતા વળગતા તંત્ર નદી કાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવે તે આવશ્યક બન્યું છે.
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કપડવંજ તાલુકાના સાત ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાબરકાંઠા ડેમમાંથી પણ પાણી છોડાતા ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના સાત ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ગામના સરપંચ અને તલાટી અને અન્ય અધિકારીઓને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. કપડવંજ તાલુકાના દોલપુર ટિંબા, બેટાવાડા, બારીયાના મુવાડા , ઠુંચલ, નવી ઠુંચલ, સુલતાનપુર ગામોને એલર્ટ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ગળતેશ્વર ખાતે આવેલ વડોદરા જિલ્લાને જોડતો મહત્વનો બ્રિજને અગમચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા છે.
પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં એકાએક વાતાવરણમાં પલટો આવતાં વરસાદ ખાબક્યો હતો. આજે ગોધરા શહેરમાં કાળા ડિબાંગ વાદળો સાથે જ વરસાદ વરસી રહ્યો છે. ગોધરા શહેરમાં સર્વત્ર પાણી.. પાણીની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના પગલે જનજીવન પણ પ્રભાવિત થયું છે. ગોધરામાં વરસી રહેલા ભારે વરસાદના પગલે રસ્તા પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગોધરા વિસ્તારમાં આવેલી નીચાણવાળી સોસાયટીમાં પણ પાણી ઘૂસી જવાની ફરિયાદ સામે આવી છે.
પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય ઉકળાટ અને ગરમીના લીધે શહેરવાસીઓ ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. ત્યારે છેલ્લા 24 કલાક સુધી ગોધરાનગરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. શ્રીકાર વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં તરબોળ થઈ ગયા હતા. ગોધરા શહેરના આદ્ય મહેશ્વરી સોસાયટી અને વાલ્મીકિવાસ ખાતે પસાર થતી વરસાદી કાંસની કેનાલમાં સતત 24 કલાક સુધી ચાલુ રહેલા અવિરત વરસાદને પગલે સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. ગોધરા શહેરના સિંદુરી માતા મંદિર પાસે આવેલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સબયાર્ડ પાસે પસાર થતી વરસાદી કાસની કેનાલમાં નગરપાલિકા તંત્ર દ્વારા પ્રી-મોન્સૂન કામગીરી હાથ ન ધરતાં ખેતીવાડી ઉત્પન્ન બજારના મેઇન ગેટ આગળ કચરાઓની ભરમાળાઓ જામ થઈ ગયેલી કેનાલમાં નજરે પડી રહી હતી. જે ખુદ પ્રી-મોન્સૂન કામગીરી સામે સવાલ ઊભા કરે છે.
ગોધરા શહેરના શહેરા ભાગોળ પેટ્રોલ પંપ પાસે 24 કલાકથી શરૂ થયેલા વરસાદના પગલે ચારે બાજુ પાણી જ પાણી ભરાયાં હતાં. જેના લીધે સવારે શાકભાજીનો ધંધો કરતા પથારાવાળાઓને ધંધો કરવા માટે ભારે હાલાકી ભોગવી પડી હતી. ગોધરા શહેરના ખાડી ફળિયા વિસ્તારમાં આવેલા રામેશ્વર નગર ખાતે આજે સવારે પડેલા અનરાધાર વરસાદના પગલે આખી સોસાયટીમાં પાણી ફરી વળ્યાં હતાં. જેના લીધે જનજીવન પ્રભાવિત બન્યું હતું. જ્યારે ચારેબાજુ વરસાદનાં પાણી ભરાવાને લીધે સોસાયટીના લોકોને બહાર નીકળવું અને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડી હતી.
પાટણ શહેર સહિત જિલ્લામાં મોડી રાત્રથી અત્યાર સુધીમાં પાંચ મિમીથી લઈને 30 મિમી સુધીનો વરસાદ નોંધાયો છે. ત્યારે સિદ્ધપુરમાં અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો હાલ રાધનપુરમાં વરસાદ ખાબકી રહ્યો છે. પાટણ જિલ્લાના સાંતલપુરમાં 20 મિમી, રાધનપુર 27 મિમી, સિદ્ધપુરમાં 30 મિમી, પાટણમાં 28 મિમી, હારીજમાં 5 મિમી, સમીમાં 5 મિમી, ચણાસ્મામાં 14 મિમી, સરસ્વતીમાં 18 મિમી અને શંખેશ્વરમાં 17 મિમી વરસાદ નોંધાયો છે.
દાંતીવાડા ડેમમાંથી 1350 ક્યુસેક પાણી છોડાયું
ઉપરવાસમાં વરસાદને લઈને પાણીની આવક વધતા દાંતીવાડા ડેમનો એક ગેટ ખોલાયો છે. દોઢ ઈંચ જેટલો એક ગેટ ખોલી 1350 ક્યુસેક પાણી છોડાયું છે. દાંતીવાડા ડેમમાં 1350 ક્યુસેક પાણીની આવક સામે 1350 ક્યુસેક પાણી છોડાયું છે. દાંતીવાડા ડેમનું પાણી બનાસ નદીમાં છોડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.