મહેસાણા જીલ્લાના ઉંઝા તાલુકાના ઔઠોર ગામમાં આવેલુ બાપ્પાનું મંદિર ઔઠોરના ગણપતિ મંદિર તરીકે દેશભરમાં જાણીતું છે. આ મંદિર સાથે અનેક દંતકથાઓ જોડાયેલી છે. મંદિરમાં સ્થાપિત દાદાની મુર્તિ પાંડવ યુગ સમયની છે તેમ કહેવાય છે. એટલુ જ નહીં મંદિરના ઇતિહાસ સાથે સોલંકીકાળ પણ જોડાયેલો છે.
તે સમયના રાજાઓ કોઇ પણ કામની શરૂઆત મંદિરમાં પૂજા-અર્ચના કર્યા પછી જ કરતા હતા. પ્રાચીનકાળમાં જ્યારે દેવ ઇન્દ્રના લગ્નની જાન જોડાઇ તો દરેક દેવી-દેવતાઓને આમંત્રણ આપવામાં આવ્યા હતા પરંતુ ગણપતિની વાંકી સૂંઠ અને વિચિત્ર દેખાવના કારણે તેમને લગ્નમાંથી બાકાત રાખવાનો નિર્યણ કરાયો. પરંતુ જાન જ્યારે ઔઠર અને ઉંઝા વચ્ચે આવેલા સોમનાથ મહાદેવના મંદિર પહોંચી તો બાપ્પાના ક્રોધના કારણે દેવ ઇન્દ્રના રથના પૈડા ભાંગી ગયા.
ત્યારે બધાને સમજાયુ કે આ ગણેશનો અનાદર કર્યાનું ફળ છે. બાપ્પાને રીઝવવા દેવોએ સાથે મળી પુષ્પાવતી નદીના કીનારે 33 કરોડ દેવી-દેવતાઓની પૂજા કરી. આજે પણ આ નદીના કિનારે 33 કરોડ દેવી દેવતાઓનું મંદિર છે. આ પૂજા બાદ શીવ પરિવાર જાનમાં જોડાયા હતા અને દેવ ઇન્દ્રની જાન આગળ વધી. પાછળથી ગણપતિની થાક લાગતા શીવજીએ તેમને ‘અહિં ઠેર’ કહ્યું જેના પરથી જ આ ગામનું નામ ઔઠોર પડ્યુ છે તેવી માન્યતા છે.
અહીં સ્થાપીત બાપ્પાની પ્રતિમા રેણું એટલે કે માટીમાંથી બનાવેલી છે અને ડાબી સૂંઢની છે. આવી પ્રતિમા દેશના કોઇ પણ મંદિરમાં જોવા મળતી નથી. દાદાના આ મંદિરમાં બારેમાસ ભક્તો દર્શનાર્થે આવે છે. તો આ ગણેશ મહોત્સવમાં તમે પણ ઔઠોરના ગણપતિ બાપ્પાના દર્શન કરી પાવન બનો.