આ સમગ્ર વિવાદ ખાલિસ્તાન ચળવળ પર કેન્દ્રિત છે. ભારતે વારંવાર કેનેડા પર તેની ધરતી પર ખાલિસ્તાન ચળવળને સમર્થન આપવાનો આરોપ લગાવ્યો છે, જે ભારતમાં પ્રતિબંધિત છે પરંતુ શીખ ડાયસ્પોરામાં તેને સમર્થન છે.તાજેતરમાં જસ્ટિન ટ્રુડોએ તેમના દેશની સંસદમાં ભારત સરકારની એજન્સીઓ પર કેનેડાની ધરતી પર ખાલિસ્તાન તરફી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી કેનેડાએ તેના ટોચના ભારતીય રાજદ્વારીને સસ્પેન્ડ કરી દીધા છે. ભારતે પણ આ કાર્યવાહીનો આ જ ભાષામાં જવાબ આપ્યો અને નવી દિલ્હીમાં કેનેડાના હાઈ કમિશનર કેમેરોન મેકેને હાંકી કાઢ્યા અને તેમને 5 દિવસમાં દેશ છોડી દેવા કહ્યું. આ વર્ષે જૂનમાં ગુરુદ્વારાની બહાર ગોળી મારીને હત્યા કરાયેલા હરદીપ સિંહ નિજ્જરને ભારતે જુલાઈ 2020માં ‘આતંકવાદી’ જાહેર કર્યો હતો. હરદીપ સિંહ નિજ્જર કેનેડાનો નાગરિક હતો.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ તેમના દેશની સંસદમાં એક નિવેદનમાં કહ્યું કે, આ વર્ષે જૂનમાં હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના વિશ્વસનીય આરોપો છે. ટ્રુડોએ કટોકટી સત્રમાં જણાવ્યું હતું કે, “કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યામાં કોઈપણ વિદેશી સરકારની સંડોવણી એ આપણા સાર્વભૌમત્વનું અસ્વીકાર્ય ઉલ્લંઘન છે.” આ મૂળભૂત નિયમોની વિરુદ્ધ છે જેના દ્વારા મુક્ત, ખુલ્લી અને લોકશાહી સમાજો પોતાનું સંચાલન કરે છે.’
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના આરોપોને નકારી કાઢતા ભારત સરકારે નિજ્જરની હત્યામાં કોઈપણ સંડોવણીનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો દ્વારા આપવામાં આવેલા આવા નિવેદન ખાલિસ્તાની આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે, જેમને કેનેડામાં આશ્રય મળી રહ્યો છે. આ ખાલિસ્તાની આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓ ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા માટે ખતરો છે. કેનેડાના ઘણા રાજકારણીઓએ ખાલિસ્તાની આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓ પ્રત્યે નરમ વલણ અપનાવ્યું છે, જે ચિંતાનો વિષય છે.
કેનેડાએ તેના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના નિવેદન બાદ ઓટાવામાં ટોચના ભારતીય રાજદ્વારી પવન કુમાર રાયને હાંકી કાઢ્યા છે. તેઓ પંજાબ કેડરના 1997 બેચના IPS અધિકારી છે અને હાલમાં કેનેડામાં ભારતીય ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ માં સ્ટેશન ચીફ તરીકે નિયુક્ત હતા. ભારતીય ગુપ્તચર અધિકારીની હકાલપટ્ટીની કેનેડાની જાહેર જાહેરાતને ‘રેર’ કેસ તરીકે જોવામાં આવી રહી છે. કારણ કે આવા મુદ્દાઓ સામાન્ય રીતે ન્યાયપૂર્ણ રીતે હાથ ધરવામાં આવે છે.
હરદીપ સિંહ નિજ્જર તાજેતરના મહિનાઓમાં મૃત્યુ પામનાર ત્રીજા ખાલિસ્તાન તરફી નેતા હતા. આ વર્ષે જૂન મહિનામાં જ બ્રિટનના અવતાર સિંહ ઢાંડા પણ બર્મિંગહામમાં રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તે ખાલિસ્તાન લિબરેશન ફોર્સનો ચીફ હતો. પરમજીત સિંહ પંજવારની પણ લાહોરમાં હત્યા કરવામાં આવી હતી. પરમજીતને ભારત સરકારે આતંકવાદી જાહેર કર્યો હતો. આ વર્ષે જૂનમાં કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ગુરુદ્વારા બહાર હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવ વચ્ચે મંગળવારે નવી દિલ્હીમાં કેનેડિયન હાઈ કમિશનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. કેનેડિયન હાઈ કમિશનની બહાર સેન્ટ્રલ રિઝર્વ પોલીસ અને દિલ્હી પોલીસના અનેક જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.