Satya Tv News

નવરાત્રી નજીક આવી રહી છે, ત્યારે અનેક જગ્યાએ ગરબા ક્લાસીસો શરૂ થઈ ચૂક્યા છે. ત્યારે જામનગરમાં ગરબા રસિકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જામનગરમાં 19 વર્ષના યુવાનનું ગરબાની પ્રેક્ટિસ દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. જામનગરના ગરબા ક્લાસીસમાં 19 વર્ષીય વિનીત કુંવરિયા ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો.

આ દરમિયાન તે અચાનક જ ઢળી પડ્યો હતો, જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. વિનીત કુંવરિયાના અકાળે અવસાનને લઇ સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છે. હાલ વિનીતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જી.જી. હોસ્પિટલ ખસેડાયો છે.

તાજેતરમાં જ રાજકોટમાં ચા પીધા બાદ હાર્ટ એટેક આવતા યુવકનું મોત નિપજ્યું હતું, મૂળ રાજસ્થાનનો અને હાલ કોઠારિયા રોડ પર આવેલ તિરુપતિ નગરમાં રહેતો અશોક નાયક નામનો યુવક રાબેતા મુજબ સાઈટ પર કલર કામ કરવા માટે ગયો હતો. જ્યાં સાઈટ પાસે ચા પીધા બાદ અશોક અચાનક ઢળી પડ્યો હતો. જેથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. જેમાં ઈએનટી સ્ટાફે અશોક નાયકને મૃત જાહેર કર્યો હતો. અશોક નાયકના મૃત્યુથી 3 વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી હતી, તો પરિવારમાં પણ માતમ છવાયો હતો.

error: