અમદાવાદના ખાનપુર વિસ્તારમાં રહેતા હર્ષ સંઘવી નામના યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજતા પરિવારમાં માતમ છવાયો છે. 32 વર્ષીય યુવકના અવસાનથી 2 વર્ષની નાની માસુમ બાળકીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હર્ષ તેની દીકરી અને પત્ની સહિત પરિવાર સાથએ યાત્રા કરવા ગયો હતો. તે રાજસ્થાન તીર્થ યાત્રા કરીને પરત ફરી રહ્યો હતો, ત્યારે તેને બસમાં જ હાર્ટ એટેક આવ્યો હતો. હાલ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. તો પરિવાર શોક ગરકાવ થઈ ગયો છે.
તળાજામાં પણ એક યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. તળાજા મામલતદાર કચેરી ખાતે રેશનકાર્ડ કઢાવવા લાઈનમાં ઉભેલા યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે રહેતા અરવિંદ કુર્ણાશંકરભાઈ પંડ્યા નામના યુવક ગતરોજ રેશનકાર્ડ કઢાવવા માટે તળાજા મામલતદાર કચેરી ખાતે ગયા હતા. જ્યાં રેશનકાર્ડ કઢાવવા માટે લાઈન હતી. જેથી અરવિંદભાઈ પણ પોતાના રેશન રેશનકાર્ડના બાયોમેટ્રિક ફિંગર પ્રિન્ટ માટે લાઈનમાં ઊભા હતા. આ દરમિયાન તેઓ અચાનક જ ઢળી પડ્યા હતા.
જે બાદ મામલતદાર કચેરી ખાતે હાજર લોકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સને બોલાવીને અરવિંદભાઈને તળાજા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જોકે, ફરજ પર હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતક યુવકને લાઇનમાં ઉભા હતા તે દરમિયાન હાર્ટ એટેક આવી ગયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. તળાજામાં હાર્ટ એટેકથી યુવકનું મૃત્યુ નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.