પવિત્ર યાત્રાધામ સોમનાથમાં ભગવાન મહાદેવના પ્રથમ જ્યોતિર્લીંગના દર્શન કરવા લોકો દૂર દૂરથી આવે છે. ભગવાન શિવનું મંદિર દરિયા કિનારે આવેલું હોવાના કારણે તે યાત્રિકોના આકર્ષણનું કેન્દ્ર છે. મંદિરના પરિસરમાંથી જ યાત્રિકો દરિયાને નિહાળી શકે છે. સોમનાથ આવતા યાત્રિકો આ દરિયામાં ન્હાવા પણ જતા હોય છે. નાના બાળકોથી લઈને યુવાનો, વડીલો સુધી આ દરિયામાં ન્હાતા હોય છે. ત્યારે સોમનાથના દરિયામાં ગટરનું પાણી છોડી લોકોના સ્વાસ્થ્ય સાથે રમત થતી હોય તેવું પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
આ પાણી દરિયામાં ન્હાતા લોકોને નુકસાન પહોંચાડી શકે છે. ગટરનું ગંદુ, પ્રદૂષિત પાણી સીધું જ દરિયામાં વહાવી દેવાય છે. જેના માટે સુવ્યવસ્થિત માનવ સર્જિત રસ્તો પણ બનાવેલો છે. આ રસ્તા દ્વારા ગટરનું પાણી સરળતાથી દરિયાના પાણી સાથે ભળી જાય છે. યાત્રિકોને દરિયાના પાણીમાં ન ન્હાવાની અપીલ કરવામાં આવી છે. જણાવવામાં આવ્યું છે કે દરિયામાં ખૂબ જ પ્રદૂષિત અને દુર્ગંધયુક્ત પાણી ભેળવવામાં આવી રહ્યું છે. જે દરિયામાં ન્હાતા લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શું તંત્ર આ વીડિયોના આધારે આની પર કોઇ એક્શન લે છે કે કેમ?