Satya Tv News

ગુજરાતમાં નાની ઉમરે હૃદયરોગના હુમલાથી મૃત્યુના કિસ્સા વધતા જાય છે. તબીબોનું માનીએ તો હૃદય અચાનક બંધ પડી જાય એ વાત નવી નથી પણ ટેકનોસેવી યુગમાં આવી ઘટનાની ચર્ચા વધી છે અને એટલે જ આવા કિસ્સા તરફ સમાજ કદાચ વધુ સંવેદનશીલ બન્યો છે. ત્યારે રાજકોટ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 5 યુવકોના હાર્ટ એટેકથી મોત થયા છે.

અંબિકા ટાઉશીપમાં રહેતા અને સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા 35 વર્ષીય લલિતસીંગ ગોપાલસીંગ પરીહાર ગઈકાલે સવારે તેમના ઘરે અચાનક બેભાન થઈ ગયા હતા. જેથી તેઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ડોક્ટરની પ્રાથમિક તપાસમાં તેઓનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું.

રાજકોટના કોઠારીયા ગામે રહેતા રાજેશભાઈ ભૂત ખોરાણે ગામે આવેલી પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક તેઓ બેભાન થઈને ઢળી પડ્યા હતા. જેથી ખેતર ખાતે હાજર ખેતમજૂરો તેમને લઈને સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. રાજેશભાઈના અવસાનથી એક પુત્ર અને બે પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. તો પરિવારમાં પણ માતમ છવાઈ ગયો છે.

ગઈકાલે મેટોડા જીઆઈડીસીમાં બન્યો હતો, GIDCમાં આવેલી વાલ્વ બનાવતી કંપનીમાં નોકરી કરતા અને કંપનીની પાછળ આવેલી ઓરડીમાં રહેતા 30 વર્ષીય વિજય માલુઆ સાંકેશ ગઈકાલે ઓરડીમાં રસોઈ બનાવી રહ્યા હતા. આ દરમિયાન તેઓ અચાનક બેભાન થઈ ગયા હતા. જેથી તેમને સહકર્મીઓ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ તપાસ કરીને તેઓને મૃત જાહેર કર્યા હતા. ડોક્ટરે હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું જણાવ્યું હતું.

ચોથા કિસ્સામાં રાજકોટના ખોખડદળ નદીના પુલ પાસે ઓમ ઉદ્યોગનગર ખાતે રહેતા અને મજૂરી કામ કરતા રાશીદખાન નત્થુખાન (ઉં.વ 34) તેમના ઘરે બેઠા હતા, ત્યારે બેભાન થઈ ગયા હતા. જેથી તેઓને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. મૃતક મૂળ યુપીના વતની અને અહીં મજુરીકામ કરતા હતા. તેમના અકાળે મોતથી પરિવારના સભ્યો આઘાતથી સ્તબ્ધ થઈ ગયા છે.

જેતપુરમાં વધુ એક યુવાનને હાર્ટ એટેક આવતા મોત થયું હતું. વેલકમ ચાઈનીઝમાં કામ કરતા યુવાનને ઘરે એટેક આવ્યો હતો. યુવકને ટાકુડીપરામાં પોતાના ઘરે હાર્ટ એટેક આવ્યો હતો, કેસર દિલબહાદુર ખત્રી (ઉ.વ. 39) નામનો મૂળ નેપાળનો અને જેતપુર ખાતે રહેતો યુવક છેલ્લા ઘણા વર્ષોથી જેતપુર વેલકમ ચાઈનીઝ નામની દુકાનમાં કામ કરતો હતો. મૃતદેહને પીએમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો.

error: