Satya Tv News

સિક્કિમમાં પૂરના કારણે થયેલી તબાહીને લઈને પ્રશાસને ફરી એકવાર મોટું એલર્ટ જાહેર કર્યું છે. સેટેલાઇટ ડેટાના આધારે એવું માનવામાં આવે છે કે પાણી ઓવરફ્લો થવાને કારણે તળાવ ફાટી શકે છે. જો આમ થશે તો તિસ્તામાં પૂર ફરી એકવાર તબાહી મચાવી શકે છે. સિક્કિમમાં પૂર અને ખરાબ હવામાનને કારણે થયેલા વિનાશને ધ્યાનમાં રાખીને તમામ સરકારી અને ખાનગી શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓને 15 ઓક્ટોબર સુધી બંધ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

અત્યાર સુધીમાં 19 મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે ઉત્તર સિક્કિમના લ્હોનક તળાવમાં બુધવારે વહેલી સવારે અચાનક પૂરની દુર્ઘટનામાં 22 જવાન સહિત 103 લોકો ગુમ છે. પડોશી પશ્ચિમ બંગાળની સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 19 મૃતદેહોમાંથી ચારની ઓળખ ‘સૈનિકો’ તરીકે કરવામાં આવી છે. જોકે, એ સ્પષ્ટ નથી થયું કે તે ચારના મૃતદેહ 22 લાપતા સૈનિકોમાંથી જ છે કે નહીં. આ સાથે જ અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુમ થયેલા 22 સૈન્ય કર્મચારીઓની શોધ નીચાણવાળા વિસ્તારો પર કેન્દ્રિત કરવામાં આવી રહી છે કારણ કે એવી સંભાવના છે કે પાણીનો જોરદાર પ્રવાહ તેમને નીચે તરફ લઈ ગયો હોય.

સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એ એક બુલેટિનમાં જણાવ્યું હતું કે આપત્તિ બાદથી 2,011 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 22,034 લોકોને અસર થઈ છે. આ સાથે જ એમને કહ્યું કે ઉત્તર સિક્કિમમાં લાચેન, લાચુંગ અને આસપાસના વિસ્તારોમાં ફસાયેલા પ્રવાસીઓ સુરક્ષિત છે. અનુમાન મુજબ,વિદેશી નાગરિકો સહિત 3,000 થી વધુ પ્રવાસીઓ સિક્કિમના વિવિધ ભાગોમાં ફસાયેલા છે. આ પ્રવાસીઓનું સ્થળાંતર એ પ્રાથમિકતા છે અને તેમને એરલિફ્ટ કરીને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવશે.

એજન્સીઓ અને સિક્કિમ સરકારના રાહત અને બચાવ પગલાંની સમીક્ષા કરતા કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ચુંગથાંગ ડેમની સુરંગમાં ફસાયેલા લોકો અને પ્રવાસીઓને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વધારાની NDRF ટીમો તૈનાત કરવી જોઈએ અને શક્ય તેટલા ઓછા સમયમાં રોડ, ટેલિકોમ અને પાવર કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવી જોઈએ.

error: