અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ હાલમાં જ ઉલારીયા પાસેથી લલીત બૈસની 10 ગ્રામ હાઈબ્રિડ ગાંજા તેમજ 10 લાખની કિંમતના 27 ગ્રામ ચરસ સાથે ધરપકડ કરી હતી, જેની તપાસમાં તેના માલિક અર્ચિત અગ્રવાલનું નામ સામે આવતા સાણંદમાં એપલવુડ વિલા ખાતેથી ધરપકડ કરાઈ હતી. જે આરોપીઓની તપાસ કરતા તેઓએ ઘાટલોડિયાના મેમનગરમાં રહેતા જયરાજ પટેલને ડ્રગ્સ આપ્યું હોવાની હકીકત સામે આવતા જયરાજ પટેલની પણ ધરપરડ કરાઈ છે..
આ કેસમાં પકડાયેલા અર્ચિત અગ્રવાલની તપાસમાં સામે આવ્યું કે તે થાઈલેન્ડ અને સ્પેન જેવા દેશના અલગ અલગ વ્યક્તિઓના સંપર્કમાં છે. થાઈલેન્ડથી 100થી 150 ગ્રામ માલ રમકડાની રિમોટવાળી ગાડીમાં અથવા તો પ્રોટીન્સના ડબ્બામાં વેક્યુમ સીલ કરી મોકલાતો હતો. આરોપી પોતે થાઈલેન્ડથી 50 હજાર રૂપિયાનો 28 ગ્રામ ગાંજો મંગાવતો અને એક ગ્રામના 2500 રૂપિયા લેખે ગ્રાહકો પાસેથી વસૂલ કરતો હતો. અર્ચિતના પિતા સંજય અગ્રવાલ કાપડના વેપારી છે, જ્યારે તેની માતા ફેશન ડિઝાઈનર છે. અર્ચિત અગ્રવાલ પોતે ઈન્સ્ટાગ્રામ પર એક આઈડી બનાવી તેમજ પોતે હાઈબ્રિડ ગાંજાના એક્સપર્ટ તરીકેની લોકોમાં ઓળખ પ્રસ્થાપિત કરતો હતો. આરોપી પાસેથી પોલીસે મર્સિડીઝ ગાડી પણ કબ્જે કરી છે.
પકડાયેલો આરોપી અર્ચિત અગ્રવાલ ઈન્સ્ટાગ્રામ આઈડી થકી હાઈબ્રિડ ગાંજો મંગાવતો અને અમુકવાર હિમાચલ પ્રદેશથી પણ મંગાવતો હતો. જેના પૈસા તે ક્રિપ્ટો કરન્સીમાં બિટકોઈન મારફતે ચુકવતો હતો અને અત્યાર સુધીમાં તેણે આ રીતે 93 લાખ રૂપિયા પણ ચુકવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. આરોપી જુલાઈ 2022થી આ કારોબારમાં સંકળાયો હોવાનું ખુલ્યું છે. જોકે આ કેસમાં અનેક દેશની અને વિદેશની ઈન્સ્ટાગ્રામ આઈડી થકી ડ્રગ્સનો કારોબાર ચાલતો હોવાનો ખુલાસો થતા પોલીસે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે.