દિલ્હીના આનંદ વિહાર સ્ટેશનથી ગુવાહાટીના કામાખ્યા સ્ટેશન તરફ જતી નોર્થ-ઈસ્ટ એક્સપ્રેસ રાત્રે 9.35 વાગ્યે બક્સર જિલ્લાના રઘુનાથપુર રેલવે સ્ટેશનની પાસે પાટા પરથી ઉતરી ગઈ. આ અકસ્માતમાં ટ્રેનના 6 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા અને 4 લોકોના મોત થયા. જ્યારે 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.ટ્રેન દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા મુસાફરોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી 20 લોકોની હાલત ગંભીર છે અને તેઓને સારવાર માટે પટના એઈમ્સમાં રિફર કરવામાં આવ્યા છે. આથી મૃતકોની સંખ્યામાં હજુ વધારો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.હાલ અકસ્માત કેવી રીતે સર્જાયો તેનું કારણ બહાર આવ્યું નથી.
ઘણી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. બનારસ અને પટના વચ્ચે દોડતી 15125/15126 જન શતાબ્દી એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. 12948 પટના અમદાવાદ સ્પેશિયલ ટ્રેન અને 12487 જોગબની આનંદ વિહાર સુપરફાસ્ટ એક્સપ્રેસનો રૂટ પણ બદલવામાં આવ્યો છે. આ ટ્રેનોને હાજીપુર છપરા બનારસ પ્રયાગરાજ થઈને ચલાવવામાં આવશે. ડાઉન ડાયરેક્શનમાં 12149 પુણે દાનાપુર એક્સપ્રેસ, 12141 લોકમાન્ય તિલક પાટલીપુત્ર એક્સપ્રેસ અને 12424 નવી દિલ્હી ડિબ્રુગઢ રાજધાની એક્સપ્રેસને દીનદયાળ ઉપાધ્યાય જંક્શન સાસારામ આરા થઈને ચલાવવામાં આવી રહી છે. જ્યારે આનંદ વિહાર ભાગલપુર વિક્રમશિલા એક્સપ્રેસ, ભગત કી કોઠી-કામખ્યા જંક્શન એક્સપ્રેસ, નવી દિલ્હી રાજેન્દ્ર નગર તેજસ એક્સપ્રેસ, આનંદ વિહાર ભાગલપુર ગરીબ રથ એક્સપ્રેસ, આનંદ વિહાર જોગબની સુપરફાસ્ટ એક્સપ્રેસ, સિક્કિમ મહાનંદા એક્સપ્રેસ અને આનંદ વિહાર-મધુપુર જંક્શન સુપરફાસ્ટ એક્સપ્રેસને દિનદયાલ ઉપાધ્યાય જંકશન ગયા પટના થઈને ચલાવવામાં આવી રહી છે.