અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા આજે મેયરના હસ્તે ડબલ ડેકર બસની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદને 34 વર્ષ બાદ મળેલ ડબલ ડેકર બસમાં જેટલા 60 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે. મહત્વનું છે કે, આજથી 7 જેટલી ડબલ ડેકર બસ અમદાવાદના રસ્તા પર દોડશે. આજથી 34 વર્ષ પહેલા એટલે કે 80 અને 90ના દાયકામાં બાળકો અને મોટેરાઓ તમામને ફેવરિટ હતી આ ડબલ ડેકર બસ. તમને યાદ હોય તો જ્યારે તમે આ ડબલ ડેકર બસના ઉપલા ડેક પર આગળની સીટ પર બેસતા ત્યારે કેવો રાજા જેવો અનુભવ થતો હતો ? અગાઉ 90ના દાયકાના અંતમાં ડબલ ડેકર બસ અદૃશ્ય થઈ ગયા બાદ હવે છેક 34 વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ ડબલ-ડેકર સ્વપ્નને પુનર્જીવિત કર્યું છે.
આ ડબલ ડેકર બસમાંથી સાત બસો પ્રથમ તબક્કામાં હસ્તગત કરવામાં આવી છે. જોકે ધીરે ધીરે તેની સંખ્યા 10 આકર્ષક વેસ્ટિબ્યુલ ઈ-બસો સાથે 25 સુધી પહોંચશે. નોંધનીય છે કે, મંગળવારે AMTS બજેટ પ્રસ્તાવમાં આ યોજનાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.